Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં કેનેડા બોર્ડર પર ભારતીય પરિવાર સહિત આઠ લોકોના મોતથી ખળભળાટ

બોટમાં બેસીને અમેરિકામાં ઘૂસી રહ્યા હતા ત્‍યારે બનેલી દુર્ઘટનામાં બે બાળકો સહિત કુલ આઠ લોકોના કરૂણ મોત : સેન્‍ટ લોરેન્‍સ નદીમાં ડૂબી ગઈ બોટ

ટોરેન્‍ટો તા. ૧ : એક નાની બોટમાં સવાર થઈ કેનેડાથી ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળેલા આઠ લોકોના મોત થયા છે. કેનેડિયન મીડિયાના રિપોર્ટ્‍સ અનુસાર, મૃતકોમાં એક ભારતીય પરિવાર પણ સામેલ છે. કાતિલ ઠંડી અને ખરાબ હવામાનના કારણે આ આઠ લોકો જે બોટમાં સવાર હતા તે ડૂબી ગઈ હતી. કેનેડિયન અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, આ ઘટના કેનેડાની હદમાં આવેલા એક્‍વાસેસનમાંથી પસાર થતી સેન્‍ટ લોરેન્‍સ નદીમાં બની હતી. ગઇકાલે બપોરે બોટ પલ્‍ટી જતાં સર્ચ શરૂ કરવામાં આવ્‍યું હતું, જેમાં શરૂઆતમાં છ મૃતદેહો મળ્‍યા બાદ શુક્રવારે વધુ બે બોડી મળી આવી હતી, પોલીસનું માનવું છે કે આ ઘટનામાં હજુય એક વ્‍યક્‍તિ લાપતા છે.

પોલીસને અત્‍યારસુધીમાં જેટલી બોડી મળી છે તેમાંથી બે બાળકો અને છ વયસ્‍કો સામેલ છે, જેમાંથી એક બાળકની ઉંમર ત્રણેક વર્ષ હોવાનો અંદાજ છે, બંને મૃતક બાળકો પાસે કેનેડિયન પાસપોર્ટ હોવાનું અત્‍યારસુધીની તપાસમાં બહાર આવ્‍યું છે. ભારતીય પરિવાર સિવાય આ ઘટનામાં મોતને ભેટેલો અન્‍ય પરિવાર રોમાનિયન હોવાનું બહાર આવ્‍યું છે, જોકે પોલીસ દ્વારા હજુ સુધી કોઈની ઓળખ જાહેર કરવામાં નથી આવી. પોલીસનું એમ પણ કહેવું છે કે આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણ જાણવા પણ હાલમાં તપાસ ચાલુ છે. બુધવારે આ વિસ્‍તારમાં વાતાવરણ ખરાબ હતું, તોફાની પવન ફુંકાઈ રહ્યો હતો તેમજ કાતિલ ઠંડી પણ હતી, અને આ સ્‍થિતિમાં નદી ક્રોસ કરવામાં ખૂબ મોટું જોખમ પણ હતું.

આ ઘટના જયાં બની છે તે વિસ્‍તારના સ્‍થાનિક ફાયર ઓફિસરનું એમ પણ કહેવું છે કે મૃતકો જે બોટમાં સવાર હતા તે ખૂબ જ નાની હતી, અને સાત-આઠ લોકો તેમાં સવાર થઈ શકે તેમ પણ નહોતા. પોલીસને જયાંથી મૃતદેહો મળ્‍યા હતા તેનાથી થોડે દૂર ડેમેજ થયેલી બોટ પણ મળી હતી.

એક્‍વાસેસન પોલીસના જણાવ્‍યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં અહીંથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાની ૪૮ જેટલી ઘટના સામે આવી છે. કેનેડાની બોર્ડરને જોખમી રીતે ક્રોસ કરીને અમેરિકામાં એન્‍ટ્રી કરવાનો પ્રયાસ કરનારા મોટાભાગના લોકો ભારતીય અથવા રોમાનિયન હોય છે. એક્‍સવાસેસન બિલકુલ કેનેડા-અમેરિકાની બોર્ડર પર આવેલું છે, અને તેની હદ કેનેડાના ક્‍યુબેક, ઓન્‍ટારિયો અને અમેરિકાના ન્‍યૂયોર્કને સ્‍પર્શે છે. અમેરિકા-કેનેડા વચ્‍ચેના ઈમિગ્રેશન એગ્રિમેન્‍ટમાં કેટલાક લૂપહોલ્‍સનો ફાયદો ઉઠાવી હજારો શરણાર્થીઓ બોર્ડર ક્રોસ કરીને અમેરિકા આવી જાય છે, જોકે બંને દેશોએ તેને બંધ કરવા તાજેતરમાં જ મહત્‍વના પગલાં લીધા છે.

(10:47 am IST)