Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ભારતના પુર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને બ્રિટનમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત

પીઢ અર્થશાસ્ત્રી મનમોહન સિંહને અર્થશાસ્ત્ર અને રાજકારણની દુનિયામાં તેમના યોગદાન માટે આ સન્‍માન અપાયુ હતું

નવી દિલ્હી : ભારતના પુર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને બ્રિટનમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. પીઢ અર્થશાસ્ત્રી મનમોહન સિંહને અર્થશાસ્ત્ર અને રાજકારણની દુનિયામાં તેમના યોગદાન માટે આ વિશેષ સન્માનથી સન્માનિત કરાયા છે.

પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આ સન્માન તેમના આર્થિક અને રાજનીતિક ક્ષેત્રમાં વિશેષ યોગદાન માટે આપવામાં આવ્યું છે. હાલમાં માં ભારત-યુકે એચિવર્સ ઓનર્સ દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે એક એવોર્ડ સમારોહમાં સન્માનિતોની જાહેરાત કરાઈ હતી. નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન તેમને દિલ્હીમાં આ એવોર્ડ અર્પણ કરશે.

NISAU UK India-UK એચિવર્સ ઓનર્સ ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ સાથેની ભાગીદારીમાં બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજની યુનિવર્સિટીઓમાં ડૉ. મનમોહન સિંઘના લાઇફટાઇમ અચીવમેન્ટ સન્માન તેમની શૈક્ષણિક સિદ્ધિઓનું સાક્ષી છે.

સન્માનની જાહેરાત બાદ ડૉ.મનમોહન સિંહે એક સંદેશમાં લખ્યુ કે,હું આનાથી ખૂબ જ પ્રભાવિત થયો છું. આ વિશેષ રીતે યુવાનો તરફથી છે. ડૉ.મનમોહન સિંહે આગળ જણાવ્યું કે, ભારત-યુકે સંબંધો આપણી શૈક્ષણિક ભાગીદારી દ્વારા વ્યાખ્યાયિત થાય છે.

મનમોહન સિંહે આગળ કહ્યું કે, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, ડૉ.બી.આર. આંબેડકર, સરદાર પટેલ અને અન્ય ઘણા લોકોએ યુકેમાં અભ્યાસ કર્યો હતો. આગળ જતા આ લોકો મહાન નેતા બન્યા. આ એક વારસો છે, જે ભારત અને વિશ્વને પ્રેરણા આપે છે. અહીં તેમણે કહ્યું કે, વર્ષોથી અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ કરવાની તક મળી છે.

અહીં તમને પણ જણાવી દઈએ કે, ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 75 હાઈ અચીવર્સને ઇન્ડિયા યુકે અચીવર્સ ઓનર્સમાં સન્માનિત કરવામાં આવ્યા છે. આ લોકો ભારત-યુકે ડાયસ્પોરા લિવિંગ બ્રિજને મજબૂત બનાવે છે. 25 જાન્યુઆરીના રોજ એવોર્ડ સમારંભમાં બ્રિટિશ-ભારતીય લોર્ડ કરણ બિલિમોરિયાને લિવિંગ લિજેન્ડથી સન્માનિત કરાયા હતા.

(12:12 am IST)