Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

દિવસના ૨૪ કલાકનો મહત્તમ ઉપયોગ કરવો છે?

જો તમને પૂછવામાં આવે કે તમે રોજ ૨૪ કલાકમાંથી કેટલો સમય પ્રોડકટીવ કામ કરવામાં વિતાવો છો? તો કદાચ તમે અંદાજો નહીં લગાવી શકો. એવું એટલા માટે કારણ કે મોટા ભાગના લોકો પોતાના ૨૪ કલાકમાંથી કેટલાક કલાકો મોબાઈલ અને ટીવી જોવા જેવા કામોમાં વ્યર્થ કરી દે છે. જો કે આ સમય વધુ ઉપયોગી વસ્તુ માટે કામ આવી શકે છે. ટ્રેનિંગ વિશેષજ્ઞ સીએના ફોબર્સ અને બેંજામીન બુલાચે એવો રસ્તો બતાવ્યો છે જેનાથી તમારા ૨૪ કલાક સફળતાપૂર્વક ઉપયોગમાં લઈ શકાય.

લાંબી વોક પર જવું

તમે રોજના કેટલાય કલાકો પોતાની સીટ ઉપર બેસી કોમ્પ્યુટર સામે પસાર કરો છો. તેનાથી શરીરમાં તો સુસ્તી આવે જ છે. સાથે મગજમાં પણ તનાવ જધી જાય છે. તેથી જરૂરી છે કે કામથી અલગ રોજ થોડો સમય તમે વોકિંગને આપો. પગપાળા ચાલવાથી હૃદય સરળ રીતે કામ કરે છે. જેનાથી વધુ રકત અને ઓકિસજન મગજ સહિત આખા શરીરમાં પહોંચે છે અને તમે તાજગી અનુભવો છો.

વહેલું ઉઠવાનું શરૂ કરો

નિષ્ણાંત ફોર્બ્સ અને બુલાચનું કહેવું છે કે, સવારે ઉઠવું એ દિવસને ઉત્તમ બનાવવાનો સૌથી સરસ ઉપાય છે. તેનાથી તમે આખા દિવસનું પ્લાનીંગ કરી શકો છો. તેઓએ જણાવ્યું કે, તમારા કામના કલાકોના ૨-૩ કલાક અગાઉ ઉઠવાથી આખો દિવસ વ્યવસ્થિત રહે છે અને કોઈ પણ કામને લઈ ઉતાવળ નથી રહેતી.

એક કામ પૂરૂ થયા બાદ બીજુ કામ શરૂ કરવું

દિવસનો સદુપયોગ કરવાનો એક રસ્તો આ પણ છે કે  તમે એક કામ પૂરૂ ન થાય ત્યાં સુધી કોઈ બીજુ કામ શરૂ ન કરો. એક જ સમયે કોઈ અધુરા ટાસ્ક લેવાથી સમય અને ક્ષમતાની બરબાદી થાય છે. તેથી તમે રોજ તમારા કાર્યોની લીસ્ટ બનાવો, જે સૌથી મુશ્કેલ કાર્યથી શરૂ થાય અને સૌથી સરળ કામથી પૂર્ણ થાય.

'નહીં' કહેતા શીખો

નિષ્ણાંતોનું માનવું છે કે, તમે દિવસમાં બધા કામને 'હા' કહીને તેને કરવાની કોશિશ કરશો તો માત્ર તમારો બોજ વધશે. ના પાડવી એ તમારી કમજોરી નથી દર્શાવતુ, પણ તે પોતાના કામને પ્રાથમિકતા આપવાની પ્રક્રિયા છે. તેનાથી તમે યેગય સમયે યોગ્ય મોકાની પસંદગી કરો છો.

બહાનાથી બચવું

રોજ પોતાના કામ કરવા માટે બહાના આપવાથી બચવું જોઈએ. 'અત્યારે મોડુ થઈ ગયું', 'અત્યારે સમય છે', 'અત્યારે ઠંડી છે', 'અત્યારે બહુ રાત થઈ ગઈ છે', વગેરે જેવા આવ બધા બહાના માત્ર તમારો સમય જ બગાડે છે.

રવિવારે જ પ્લાનીંગ કરી લેવું

સામાન્ય રીતે રવિવાર આરામ કરવાનો દિવસ હોય છે. પરંતુ તમે રવિવારના છેલ્લા અમુક કલાકમાં પછીના દિવસનું અથવા અઠવાડીયાનું પ્લાનીંગ કરી લેશો તો તેનાથી ફાયદો થશે. નિષ્ણાંતોનું માનવું છે કે, રવિવાર રાત્રિની તૈયારી જ       તમારા આવનચારા દિવસોને તનાવમુકત બનાવે છે.

સંગીત સાંભળવું

મોબાઈલ અને ટીવી ઉપર સમય બગાડવા કરતા સારૂ છે કે તમે તે સમય મ્યુઝીક સાંભળવામાં પસાર કરો. એક અભ્યાસમાં જણાવાયું છે કે, મ્યુઝીક બધા પ્રકારના કામોને સરળ બનાવી દે છે. સંગીતની ધૂન મગજમાં તરંગો પેદા કરે છે. જે તમારા મુડને સારો બનાવે છે અને એકાગ્રતા વધારે છે.

ઈલેકટ્રોનીક ઉપકરણોને ઓછો સમય આપવો

એક અભ્યાસ અનુસાર, એક વ્યકિત આખા દિવસમાં લગભગ ૮થી વધુ કલાક મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર જેવા ઈલેકટ્રોનીક ડિવાઈસ સાથે પસાર કરે છે. આ સમયને તે કસરત કરવા, વાંચન, મ્યુઝીક સાંભળવું જેવા કામોમાં ખર્ચ કરો તો તમારો દિવસ વ્યર્થ નહીં જાય અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે.

(3:56 pm IST)