Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

કાબૂલ : આત્મઘાતી હુમલો થતા ૪૧ લોકોના મોત થયા

તાલિબાને હુમલામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યોઃ હુમલામાં ૮૦થી વધુ લોકો ઘાયલ : ત્રણથી વધુ આત્મઘાતી બોંબરો હુમલામાં સામેલ હતા : મોતનો આંકડો વધી શકે

કાબૂલ, તા.૨૮, અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલમાં સ્થિત સાંસ્કૃતિક કેન્દ્રમાં થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ૪૧ લોકોના મોત થયા અને અન્ય મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલાઓની સંખ્યા ૮૪થી પણ વધુ આંકવામાં આવી છે જે પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ગૃહમંત્રાલયના પ્રવક્તા નશરત રહીમી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બ્લાસ્ટ કલાએનજર ક્ષેત્રમાં થયો હતો. સવારે ૧૦.૩૦ વાગે બ્લાસ્ટ થયા બાદ ભારે અફડાતફડી રહી હતી. જે ઇમારત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેની અંદર સમાચાર સંસ્થાની ઓફિસ અને એક મસ્જિદ પણ છે. આ આત્મઘાતી બ્લાસ્ટ બાદ વધુ બે બ્લાસ્ટ થયા હતા. કોઇપણ ત્રાસવાદી સંગઠને હુમલા માટેની જવાબદારી હજુ સુધી સ્વીકારી નથી પરંતુ તાલિબાની સંસ્થાઓ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા આ બ્લાસ્ટ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તાલિબાને નિવેદન જારી કરીને કહ્યું છે કે, તે આ બ્લાસ્ટમાં સામેલ નથી. હુમલામાં બચી ગયેલા એક વ્યક્તિના કહેવા મુજબ જ્યારે હુમલો કરાયો ત્યારે સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઇ રહ્યા હતા. પોલીસના કહેવા મુજબ ઓછામાં ઓછા ત્રણ આત્મઘાતી હુમલાખોરો અમા સામેલ હતા. જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે ભારે અફડાતફડી મચી ગઈ હતી. સૌથી પહેલા ગ્રેનેડ ઝીંકવામાં આવ્યા હતા. ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર કરાયો હતો. કાબૂલમાં સોમવારના દિવસે પણ રાષ્ટ્રીય સુરક્ષાની ઓફિસની પાસે આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં આઠ લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ઇસ્લામિક સ્ટેટદ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. નવેસરના હુમલાના સંદર્ભમાં હજુ સુધી કોઇ ખુલાસો સુરક્ષા સંસ્થાઓ તરફથી કરવામાં આવ્યો નથી.

(10:10 pm IST)