Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

જાપાનમાં બેકાબુ બન્યો કોરોના:જોવા મળી સાતમી લહેર

નવી દિલ્હી: જાપાનમાં કોરોના વાઇરસનો પ્રકોપ બેકાબૂ થઇ ગયો છે. તે વિશ્વનો એવો પહેલો દેશ બની ગયો છે કે જ્યાં કોરોના સંક્રમણની રેકોર્ડ સાતમી લહેર આવી ચૂકી છે. અત્યાર સુધીમાં અમેરિકાએ જ પોતાને ત્યાં પાંચમી લહેરની જાહેરાત કરી છે. લગભગ સાડાબાર કરોડની વસતીવાળા જાપાનમાં અત્યાર સુધીમાં 81%ને વેક્સિનના ડબલ ડોઝ અપાઇ ચૂક્યા છે જ્યારે 31%ને ચોથો ડોઝ અપાઇ ચૂક્યો છે. જાપાનમાં ચાર અઠવાડિયાં પહેલાં રોજ અંદાજે 10 હજાર કેસ આવતા હતા પણ હવે રોજ સરેરાશ 1.75 લાખ કેસ આવી રહ્યા છે. હાલ જાપાન માટે રાહતની વાત એ છે કે ત્યાં કોરોના સંક્રમિતોના હોસ્પિટલમાં દાખલ થવાનો દર માત્ર 10% છે. તેથી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની લાંબી લાઇનો નથી લાગતી. વેક્સિનના પણ પૂરતા ડોઝ ઉપલબ્ધ છે. વડાપ્રધાન ફૂમિયો કિશિદાએ લોકોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે હાલના તબક્કે કટોકટી કે અન્ય આકરા પ્રતિબંધો લાદવાની આશંકાને ફગાવી. જાહેર સ્થળો સહિત સ્કૂલ-કોલેજોમાં માસ્ક ફરી ફરજિયાત કરી દેવાયા છે. ટોક્યો યુનિવર્સિટીના પ્રો. અકિડાનું કહેવું છે કે હાલ સરકાર લાૅકડાઉન જેવા પગલાં નહીં ભરે.

(5:29 pm IST)