Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

યુરોપીય દેશ નોર્વેના ઓસ્લોમાં ફાયરિંગની ઘટનામાં બે લોકોના મૃત્યુ:અનેક ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અમેરિકામાં સતત ફાયરિંગની ઘટનાઓ બાદ હવે યુરોપના ઉત્તરી દેશ નોર્વેમાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. તાજેતરનો મામલો નોર્વેની રાજધાની ઓસ્લોનો છે, જ્યાં શનિવારના રોજ ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સીએ પોલીસને ટાંકીને જણાવ્યું કે, નોર્વેના સેન્ટ્રલ ઓસ્લોમાં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંદૂકધારી હુમલાખોરે નાઈટ ક્લબમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. અન્ય સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, હુમલો લોકપ્રિય ગે બાર અને નાઇટક્લબમાં થયો હતો. ઓસ્લોમાં શનિવારના રોજ પ્રાઇડ પરેડ યોજાવાની છે. અહેવાલ પ્રમાણે, કે લગભગ 10 લોકો ઘાયલ થયાની આશંકા છે. ડેઈલી મેઈલના અહેવાલ અનુસાર, ઓસ્લો પોલીસ ડિસ્ટ્રિક્ટે કહ્યું, 'શૂટીંગની ઘટનામાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે મિશનને PLIVO ઘટના તરીકે વ્યાખ્યાયિત કર્યું. નોર્વેના રાષ્ટ્રીય અખબારના અહેવાલ પ્રમાણે, સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે, લોકો ગભરાઈને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઓસ્લો યુનિવર્સિટી હોસ્પિટલે જણાવ્યું કે, ગોળીબાર બાદ તે રેડ એલર્ટ પર છે.

 

(6:13 pm IST)