Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

કાબુલ એરપોર્ટ પર થયેલ અજાણ્યા હુમલામાં એક અફઘાની સૈનિકનું મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ અફરા-તફરી જોવા મળી રહી છે. કાબુલ એરપોર્ટના નોર્થ ગેટ પર સોમવારે અફઘાની સૈનિકો અને અજાણ્યા હુમલાખોરોની વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક અફઘાની સૈનિક માર્યો ગયો. જ્યારે 3 અન્ય સૈનિકો ઘાયલ થયા છે. શનિવારે કાબુલ એરપોર્ટ પર નાશભાગમાં અફઘાનિસ્તાનના સાત લોકો પણ માર્યા ગયા હતા. બીજી બાજુ, અત્યારે રેસ્ક્યૂ મિશનને લીધે મોટી સંખ્યામાં અમેરિકા અને અન્ય નાટો દેશોના સૈનિકો કાબુલ એરપોર્ટ પર તૈનાત છે. આ દરમિયાન તાલિબાને અમેરિકાને ધમકી આપી છે. તાલિબાનના પ્રવક્તા સોહેલ શાહીને સોમવારે કતારમાં નિવેદન આપ્યું કે, જો અમેરિકા પોતાના સૈનિકોની વાપસીમાં મોડું કરશે તો તેને પરિણામ ભોગવવું પડશે. તાબિબાન તરફથી ૩૧ ઓગસ્ટ છેલ્લી ડેડલાઇન જાહેર કરાઇ છે. અફઘાનિસ્તાનના ૩૪માંથી ૩૩ પ્રાંત તાલિબાનના કબ્જામાં છે. માત્ર પંજશીર રહી ગયું છે જેને કબ્જામાં લેવા માટે તાલિબાન અને પંજશીરના યોદ્ધાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. રિપોર્ટ્સ મુજબ પંજશીરના યોદ્ધાઓએ તાલિબાન પર રસ્તામાં જ હુમલો કર્યો હતો. જેમાં ૩૦૦ તાલિબાનીઓને માર્યા ગયા છે. જો કે, આ સમાચારને તાલિબાનીઓએ ખોટા ગણાવ્યા છે. તાલિબાને દાવો કર્યો છે કે તેમણે પંજશીરના બે જિલ્લા પર કબ્જો કરી લીધો છે.

(5:17 pm IST)