Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ચીનના આ ગામમાં લોકો 1300 વર્ષથી જ દરિયામાં કરે છે વસવાટ

નવી દિલ્હી: ગુજરાતીમાં એક કહેવત છે કે જો પૈસા હોય તો પાણીમાં પણ ઘર થાય પરંતુ ચીનનું ૭ હજારની વસ્તી ધરાવતું આખું ગામ જ દરિયામાં વસ્યું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જમીન વગર માત્રને માત્ર દરિયામાં લાકડાની હોળીઓ અને તરાપાઓના સહારે ગામ આખું તરે છે.ગામ લોકોએ નાના મોટા ઘર પણ બનાવ્યા છે. નવાઇની વાત તો એ છે કે બાળકો પણ પાણીમાં જ અભ્યાસ કરે છે. જીવન જરૃરીયાતની વસ્તુઓ ખરીદવાનું બજાર પણ આવેલું છે.ચીનમાં માછીમારી કરતી એક જાતિ છે જેને ટાંકા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ટાંકાઓએ ૧૩૦૦ વર્ષ પહેલા જમીન પર રાજાઓના રંજાળથી બચવા માટે પાણીમાં રહેવાનું પસંદ કર્યું હતું. આ ગામની વસ્તી આજે ૭ હજાર લોકોની છે. આ ગામ ફુજીયાન પ્રાંતના દક્ષિણ પૂર્વમાં નિંગડે સીટીની નજીક આવેલું છે. આ સ્થળને ચીનમાં જિપ્સીસ ઓફ ધ સી તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવાઇની વાત એ છે કે આ ગામના લોકો આજે પણ ભાગ્યે જ જમીન પર આવે છે. ટાંકા જાતીના લોકોએ જમીન પર ન જવું પડે તે માટે પોતાની આગવી સુઝથી સતત તરતા રહે તેવા મોટા મોટા પ્લોટ વિસ્તાર લાકડા વડે તૈયાર કર્યા છે. આ લોકોનું સમગ્ર જીવન પાણી સાથે જોડાયેલું છે. સવાર પડે એટલે લોકો માછીમારી કરવા નિકળી પડે છે. જાણકારો નોંધે છે કે ચીનમાં ક્રાંતિ થયા બાદ કોમ્યુનિસ્ટ શાસન સ્થપાયું ત્યાં સુધી આ લોકો જમીન પર પગ પણ મુકતા ન હતા. જો કે હવે થોડી ક છુટ છાટ લઇને સમુદ્ર કાંઠા પર રહેતા લોકો સાથે સંપર્ક રાખવા લાગ્યા છે. તેમ છતાં પાણીમાં તરતા ઘરમાં રહેવાની પરંપરામાંથી કોઇ મુકત થવા માંગતું નથી. આજે પણ યુવાન છોકરા છોકરીઓના લગ્ન બોટમાં થાય છે.

 

 

 

 

 

(4:56 pm IST)