Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ઈરાને પોતાના જહાજોને સુરક્ષિત કરવા માટે વ્યવસ્થા વધારી

નવી દિલ્હી: મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને ઈરાને એક બીજા પર હુમલા કરવા માટેની ધમકીઓ આપવાનુ ચાલુ રાખ્યું છે. 13 એપ્રિલે ઈરાને ઈઝરાયલ પર કરેલા મિસાઈલ અને ડ્રોન એટેક બાદ આખી દુનિયાને ડર છે કે, ઈઝરાયલ ગમે ત્યારે પલટવાર કરશે. ઈરાને પોતે પણ આ શક્યતાઓને ધ્યાનમાં રાખીને હવે પોતાના વેપારી જહાજોને નૌસેનાની સુરક્ષા આપવાનુ શરુ કર્યું છે.ઈરાનની સરકારે કહ્યું છે કે, ઈરાનની નૌસેનાનુ યુધ્ધ જહાજ એડનની ખાડીમાં તૈનાત છે અને તે રાતા સમુદ્ર વિસ્તાર સુધી પેટ્રોલિંગ ચાલુ રાખશે. આ યુધ્ધ જહાજ અત્યાધુનિક મિસાઈલો તેમજ સેન્સરો અને બીજા હથિયારોથી સજ્જ છે. ઈરાને નૌસેનાના જહાજોને એલર્ટ પર રાખ્યા છે. કારણકે ઈરાનને ચિંતા છે કે, ઈઝરાયલની એરફોર્સ ઈરાનના વેપારી જહાજો પર હુમલા કરશે. ઉપરાંત સીરિયામાં પણ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના બેઝ પણ ઈરાને ઈઝરાયલના હુમલાના ડરથી ખાલી કરાવવા માંડ્યા છે.અમેરિકન અખબારે પોતાના અહેવાલમાં કહ્યુ છે કે, ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહે પણ પોતાના ટોચના કમાન્ડરોને સીરિયામાંથી પાછા બોલાવવા માંડ્યા છે. ઈરાને અગમચેતી દાખવવા માંડી છે તેનું એક કારણ બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ કેમરુનનું નિવેદન પણ છે. કેમરુને કહ્યું હતું કે, ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલ લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ રહ્યું છે.

 

(5:22 pm IST)