Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનના અંધકારમાં લઇ જનાર તાલિબાનની મદદે આવ્યું ચીન ઈરાન સહીત પાકિસ્તાન

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલી સરકારને ઉખાડી ફેકી પોતાની હિંસક શક્તિનો આશ્રરો લઈ સત્તા હાંસલ કરનારા તાલિબાનોને છેવટે પાકિસ્તાન, ચીન અને ઈરાન તરફથી ખુલ્લુ સમર્થન મળ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ખુલ્લુ સમર્થન આપ્યું છે. તાલિબાનને સત્તા મેળવ્યાનું સ્વાગત કરતાં ઈમરાને કહ્યું છે કે છેવટે ગુલામીની જંજીરો તૂટી ગઈ છે.

અફઘાનિસ્તાનને ફરી વખત અંધકારમાં લઈ જનારા તાલિબાનને ચીન, ઈરાન અને પાકિસ્તાન તરફથી ખુલ્લુ સમર્થન મળ્યુ છે. આ સાથે અમેરિકા સહિત આર્થિક મહાસત્તાને એક રીતે ખુલ્લો પડકાર છે. બીજી બાજુ ચીને આશા વ્યક્ત કરી છે કે તાલિબાનનું શાસન સ્થિર હશે, જ્યારે ઈરાને કહ્યું છે કે અમેરિકાની હારથી સ્થિર શાંતિની ઉજળી આશા બંધાઈ છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે જ્યારે તમે અન્યોની સંસ્કૃતિ અપનાવો છો તો પછી તમે માનસિક રીતે ગુલામ થઈ જાઓ છો. તે વાસ્તવિક સ્થિતિથી વિપરીત છે. સાંસ્કૃતિક ગુલામીની જંજીરોને તોડવી સરળ નથી. અફઘાનિસ્તાનમાં અત્યારે જે ઘટના બની રહી છે તે ગુલામીની જંજીરોને તોડવા જેવી છે. ચીને તાલિબાન સાથે મળી કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. આ સાથે જ એવી આશા વ્યક્ત કરી છે કે સમાવેશી સરકાર મળશે. ચીને સોમવારે કહ્યું હતું કે અમને આશા છે કે તાલિબાન પોતાના વચનો પૂરા કરશે અને દેશમાં મુક્ત તથા સમાવેશી વિચારધારાવાળી સરકાર બનાવશે. ઈરાન, રશિયા અને ચીનની અમેરિકા સાથે અનેક મુદ્દા પર અસહમતી રહી છે. આ સંજોગોમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકો પરત ફર્યાં છે ત્યારે આ ત્રણેય દેશો પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રશિયાએ તો તાલિબાન સાથે અગાઉથી જ વાતચીત શરૂ કરી દીધી છે. ચીને સોમવારે કહ્યું કે તાલિબાનને કાબુલમાં રહેલા વિદેશી મિશનોને સુરક્ષા આપવા અને સૌને સાથે લઈ ચાલી પોતાના કાર્ય પૂરા કરવાના રહેશે.

(6:44 pm IST)