Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ નાગરિકોને 2હજાર ડોલરની સહાય આપવાની વાત પર ભાર મુક્યો હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડને અમેરિકાના નાગરિકોને 2000 ડોલરની રાહત સહાય આપવા પર ભાર મુક્યો છે. તેઓએ કહ્યું હતું કે વર્તમાન 600 ડોલરની રકમ પૂરતી નથી. બાયડને વર્તમાન 600 ડોલરની રોકડ રકમને ડાઉન પેમેન્ટ ગણાવી હતી. તેઓએ ગત અઠવાડિયે જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી સંસદના બંને સદનોમાં બહુમતી મેળવશે તો તરત જ 2000 ડોલરની રાહત સહાય જારી કરવામાં આવશે.

હવે ડેમોક્રેટ્સ પાસે હાઉસ ઓફ રિપ્રેઝટિટીવ અને સેનેટમાં બહુમતી છે અને બાયડન 20 જાન્યુઆરીએ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સંજોગોમાં તેમના દ્વારા નવા પ્રોત્સાહન પેકેજ પર ભાર મુકવાની વધુ સંભાવના છે.

બાયડને રવિવારે જણાવ્યું હતું કે જ્યારે તમારે ભાડા અને ભોજન વચ્ચેની પસંદગી કરવી હોય તો ફક્ત 600 અમેરિકી ડોલર પૂરતા નથી. આપણને 2000 અમેરિકન ડોલરની રાહત રકમની જરૂરિયાત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ 2000 ડોલરની રાહત રકમ આપવાની વાતનું સમર્થન કર્યું છે. આ બાબતે ડિસેમ્બરમાં પ્રતિનિધિ સભાએ એક વિધેયક પણ પસાર કર્યું હતું. જોકે રિપબ્લિકનોએ તેને રોકી દીધું હતું કેમ કે તેમની પાસે ઉપલા સદનમાં બહુમતી હતી.

(5:53 pm IST)