Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ફલોરિડામાં સૌથી લાંબો ૧૮.૯ ફૂટનો અજગર મળી આવ્યો

નવી દિલ્હી, તા.૧૦: ફ્લોરિડામાંથી ૧૮.૯ ફૂટનો અજગર મળી આવ્યો હતો. રેયાન ઓસબર્ન અને કેવિન પાબ્લિડિસ નામના બે વન્ય સંરક્ષકોએ ફ્લોરિડાની ટીબેક કેનાલમાંથી આ અજગરને પકડયો હતો. અત્યાર સુધીમાં ફ્લોરિડામાં મળેલો આ સૌથી લાંબો અજગર છે. અગાઉનો રેકોર્ડ ૧૮.૮ ફૂટના અજગરના નામે હતો.

ફ્લોરિડામાં ૧૮.૯ ફૂટનો અજગર મળી આવ્યો હતો. બે સ્નેક સેવર રેયાન ઓસબર્ન અને કેવિન પાબ્લિડિસે ફ્લોરિડાની કેનાલમાંથી આ અજગરને શોધી કાઢ્યો હતો. મોડી રાત્રે અજગર ફરવા નીકળ્યો ત્યારે આ બંનેના ધ્યાનમાં ચડયો હતો. તેની લંબાઈ જોઈને બંનેના આશ્વર્યનો પાર રહ્યો ન હતો.

ઓસબર્ન અને કેવિને ફેસબુકમાં લખ્યું હતું, અમે અગાઉ આટલો લાંબો અજગર કયારેય જોયો ન હતો. અમારા બંનેથી એ એટલી સહેલાઈથી પકડાય એમ પણ ન હતો. મદદ માટે બીજા લોકોને બોલાવવા પડયા હતા. તેનો વજન પણ ઘણો વધારે હતો. તે આક્રમક જણાતો હતો. જો અમે થોડીક પણ ગરબડ કરી હોત તો અમને હોસ્પિટલ ભેગા કરવા પડયા હોત. જયારે તેને પકડયો ત્યારે એવું લાગ્યું ન હતું કે તે અત્યાર સુધીમાં જોવા મળેલો સૌથી લાંબો અજગર હશે.

ફ્લોરિડાના વન્યજીવ સંરક્ષણ વિભાગે આ અજગરને અત્યાર સુધીનો સૌથી લાંબો અજગર ગણાવ્યો હતો. વન્ય સંરક્ષણ વિભાગે એ અજગરનો કબજો લઈને તેને સલામત સ્થળે ખસેડયો છે. આ અજગર આક્રમક પ્રજાતિ બર્મિસ પ્રકારનો અજગર હોવાનું જણાયું હતું. ફ્લોરિડામાં આ પ્રકારના અજગર સારી એવી સંખ્યામાં જોવા મળે છે.

(10:14 am IST)