Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

મહંમદ પયગંબરનું કાર્ટૂન બનાવનાર લાર્સ વિલ્કસનું નિધનઃ માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો જીવ

લાર્સ વિલ્કસ પોલીસ સુરક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે જ થયો અકસ્માતઃ બે પોલીસ અધિકારીનાં પણ મોત

સ્ટોકહોમ, તા.૫: મહંમદ પયગંબરનું ચિત્ર બનાવીને ચર્ચામાં આવેલા સ્વીડનના કલાકાર લાર્સ વિલ્કસનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પોલીસે જાણકારી આપી કે વિલ્કસની કાર માર્કરિડના દક્ષિણ શહેરમાં દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. વર્ષ ૨૦૦૭માં મહંમદ પયગંબરનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી જ દુનિયાભરમાં તેને લઈને દ્યણો વિવાદ ઊભો થયો હતો. હાલ, પોલીસ દ્યટનાની તપાસ કરી રહી છે. દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે.

ચિત્ર પ્રકાશિત થયા બાદથી જ ૭૫ વર્ષીય વિલ્કસ પોલીસ સુરક્ષાના ઘેરામાં જ રહેતા હતા. તેમના માથે ઈનામ હતું અને તેમના ઘરને પણ આગ લગાડી દેવામાં આવી હતી. ૨૪ કલાક પોલીસ સુરક્ષામાં રહેનારા વિલ્કસ દુર્ઘટના સમયે પણ પોલીસ વાહનમાં જ હતા. આ માર્ગ દુર્ઘટનામાં બે પોલીસ અધિકારીઓનાં પણ મોત થયા છે. પોલીસે જાણકારી આપી છ કે મામલાની તપાસ હજુ ચાલી રહી છે અને દુર્ઘટનાના કારણ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સોમવારે પોલીસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું કે, આ ખૂબ જ દુખદ ઘટના છે. અમારા માટે એ ખૂબ જરૂરી છે કે અમે આ વાતની તપાસ કરીએ કે આ ર્દુઘટના કેવી રીતે બની અને કયા કારણે ટક્કર થઈ. પોલીસ વિભાગે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, પ્રારંભિક રીતે કંઈ પણ નથી મળ્યું, જે એ વાત પર ઈશારો કરે કે ઘટનામાં કોઈ સામેલ હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિલ્કસને મોટા સ્તર પર નિશાનાના રૂપમાં ગણવામાં આવતા હતા.

૨૦૧૫માં કોપેનહેગનમાં બ્રિટનના લેખક સલમાન રશ્દીની વિરુદ્ઘ જાહેર ઈરાની ફતવાની ૨૫મી વરસી પર યોજાયેલા કાર્યક્રમમાં એક વ્યકિતનું મોત થયું હતું. આ કાર્યક્રમમાં વિલ્કસ પણ સામેલ થયા હતા. ૧૯૪૬માં હેલ્સિંગબર્ગમાં જન્મેલા વિલ્કસે કલાકાર તરીકે લગભગ ચાર દશક સુધી કામ કર્યું. આ દરમિયાન તેઓ કળા ક્ષેત્રમાં અનેક વિવાદાસ્પદ કામોના કારણે ચર્ચામાં રહ્યા.

(9:51 am IST)