Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ચીનના સીચુઆન પ્રાંતમાં 6.1ની તીવ્રતાના ભુકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ચીનના દક્ષિણપશ્ચિમના સિચુઆન પ્રાંતમાં યાન શહેરમાં આવેલા ૬.૧ તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું હતું. આ ભૂકંપમાં ચારના મોત થયા છે અને ૧૪ને ઇજા થઈ છે, એમ શહેરના ભૂકંપ રાહત હેડક્વાર્ટરેથી જણાવાયું હતું.ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (સીઇએનસી)ના જણાવ્યા મુજબ સિચુઆન પ્રાંતના યાન શહેરમાં આવેલી લુશાન કાઉન્ટી સાંજે પાંચ વાગે આવેલા ભૂકંપના પગલે ધણધણી ઉઠી હતી. તેનું મુખ્ય કેન્દ્ર ત્યાંથી ૧૭ કિ.મી. ઊંડાઈએ હતું.  ઉલ્લેખનીય છે કે ચીનના આ જ પ્રાંતમાં ૨૦૦૮માં ૭.૯ની તીવ્રતાવાળા આવેલા ભૂકંપમાં ૯૦,૦૦૦ના મોત થયા હતા.   બુધવારે આવેલા ભૂકંપ પછી યાન શહેરની બાઓક્સિંગ કાઉન્ટીમાં ૪.૫ની તીવ્રતાવાળો વધુ એક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં થયેલી જાનહાનિ બાઓક્સિંગ કાઉન્ટીની છે. યાને આના પગલે ભૂકંપ માટે સેકન્ડ લેવલ ઓફ ઇમરજન્સી રિસ્પોન્સ એક્ટિવેટ કર્યુ છે અને તે નુકસાનની સમીક્ષા કરે છે. ઇમરજન્સી બચાવકાર્ય માટે ૮૦૦થી વધુ કર્મચારીઓ, સશસ્ત્ર પોલીસ, અગ્નિશામક વિભાગ, મેડિકલ ડોક્ટર અને પબ્લિક સિક્યોરિટી બ્યૂરો છે, જે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ઇજાગ્રસ્તના તપાસ, બચાવ અને રાહત માટે એક સાથે જશે, માર્ગ રિપેરિંગ કરશે અને અસરગ્રસ્ત રહેવાસીઓને રિલોકેટ કરશે.  મિનિસ્ટ્રી ઓફ ઇમરજન્સી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે રાહત કાર્ય માટે એ લેવલ-૩  નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ એક્ટિવેટ કરવામાં આવશે.આ માટે સ્થાનિક ઇમરજન્સી બચાવ પ્રયત્નોમાં મદદરુપ થવા નેશનલ ટીમ મોકલવામાં આવશે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. સ્થાનિક સ્તરે અગ્નિશામક દળો મુખ્ય કેન્દ્રએ પહોંચી ગયા હતા અને સિચુઆન તથા પડોશી વિસ્તારોની ભૂકંપ બચાવ રાહત ટુકડીઓને રાહત કામગીરી માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.

 

(6:27 pm IST)