Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

‘ગુજરાત બોટલ લઇને રહેશે'

દારૂબંધી સમાજના કોઇ ભાગને ફાયદો નથી થયોઃ પ્રિયદર્શી : મુખ્‍યપ્રધાન ભુપેન્‍દ્રભાઇ પટેલ સામે ઉભેલ અપક્ષ ઉમેદવારનો નારો

અમદાવાદ, તા.૩૦: ડ્રાય ગુજરાતમાં, ૨૦૨૨ની ચુંટણીના મેદાનમાં કેટલાક એવા ઉમેદવારો પણ ઉતર્યા છે જે દારૂ નામના જીનને બોટલની બહાર કાઢવા માંગે છે. આ ઉમેદવારો રાજયમાં અપક્ષ તરીકે લડી રહ્યા છે. આ ઉમેદવારોનું માનવું છે કે રાજયમાં દારૂબંધી નીતિથી સમાજના કોઇ પણ અંગની ભાગ્‍યે જ કંઇ સેવા થઇ છે, ઉલ્‍ટું તેના લીધે રાજયને કરની આવકમાં મોટુ નુકશાન જઇ રહ્યું છે. તેઓ ઝેરી દારૂના કારણે થતા મોત સામે પણ આંગળી ચીંધે છે.

મુખ્‍યપ્રધાન ભુપેન્‍દ્રભાઇ પટેલ સામે ઘાટલોડીયા બેઠક પર ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર નરેશ પ્રિયદર્શીનો નારો છે ‘ગુજરાત બોટલ લઇને રહેશે' ૪૦ વર્ષના નરેશ પ્રિયદર્શી સોફટવેર ડેવલપર અને એન્‍ટરપ્રીન્‍યોર છે. પ્રિયદર્શીએ કહ્યું  કે તેનો ઉદ્દેશ આ ‘નકામી નીતિ' સામે અવાજ ઉઠાવવાનો છે. તેમણે કહ્યું, ‘૧૯૬૦માં ગુજરાતની રચના થઇ ત્‍યારથી નશાબંધી અમલમાં છે. પણ તેનાથી સમાજના કોઇ અંગને ફાયદો નથી થયો. ઉલ્‍ટાનું રાજયને કરની આવકમાં કરોડો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.

કાયદાનું અમલીકરણ બરાબર થતું ના હોવાથી અવારનવાર લઠ્ઠાકાંડમાં માણસો મરે છે. દારૂબંધી નીતિ અયોગ્‍ય છે અને તે જવી જ જોઇએ.' તેમણે તો ચૂંટણીમાં પોતના ચિન્‍હ માટે પણ બોટલનું ચિન્‍હ માંગ્‍યુ હતું પણ અપક્ષ ઉમેદવારો માટે પંચે નક્કી કરેલા ૨૫૦નિશાનોમાં તે ના હોવાથી તેમણે નિશાન તરીકે કેરબો રાખ્‍યો છે.

નરોડ બેઠકના અપક્ષ ઉમેદવાર રામકુમાર ગુલવાણી પોતાના મતદારોને કહે છે નશાબંધીના અંતથી રાજયને ૨૧૦૦૦ કરોડની આવક ગુમાવવી પડે છે. તેમણે પોતાનું નિશાન મોબાઇલ ચાર્જ રાખ્‍યુ છે.

વડોદરાનું એક ગ્રુપ લોકોને નશાબંધીની નીતિ સામે વિરોધ દર્શાવવા નોટાનું બટન દબાવવા સમજાવે છે જો કે આ ગ્રુપનો કોઇ સભ્‍ય ચૂંટણી નથી લડી રહ્યો. ગ્રુપના સ્‍થાપક રાજીવ પટેલે કહ્યું, ‘અમારી પાસે દારૂબંધી નીતિ અને તે રાજય અને તેના નાગરિકોના વિકાસને કેવી રીતે હાની પહોંચાડે છે તેની જોરદાર દલીલો છે. અમારી માંગણીને કોઇ પણ પક્ષ નથી સાંભળી રહ્યો એટલે અમારા સભ્‍યો સોશ્‍યલ મીડીયા અને અન્‍ય પ્‍લેટફોર્મ પરથી લોકોને નોટાનું બટન દબાવવા અપીલ કરીએ છીએ.

(10:45 am IST)