Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સુરતના બાળ કલાકારે બનાવેલ 'મોદી સ્કેચ'થી પ્રધાનમંત્રી પ્રભાવિત : પ્રશંસા પત્ર

અમદાવાદ તા. ૩૦ : એવું કહેવામાં આવે છે કે કલાકારો ફકત પ્રશંસા માટે ભૂખ્યા હોય છે અને આ વખાણ, જો તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી હોય, તો ખુશીની કોઇ મર્યાદા રહેતી નથી. પ્રધાનમંત્રી તરફથી તેમના પત્રનો જવાબ મળતાં ગુજરાતમાં સુરતના ૯માં ધોરણના વિદ્યાર્થી પાર્થ મેહુલ ગાંધી સાથે આવું જ કંઇક થયું. હકીકતમાં પાર્થે પ્રધાનમંત્રી મોદીનો સ્કેચ બનાવી તેમને મોકલ્યો હતો, જેના જવાબમાં પ્રધાનમંત્રીએ તેમને આ પત્ર લખ્યો છે.

આ પત્રમાં પ્રધાનમંત્રીએ પાર્થને પ્રોત્સાહન આપતા લખ્યું છે કે 'તમારી પ્રતિભા તમારામાં વસ્તુઓનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરવાની ક્ષમતા દર્શાવે છે. તમારી પાસે કેનવાસ પર કલ્પનાઓ મૂકવાની અદ્ભૂત ક્ષમતા છે. નાની ઉંમરથી જ તમારામાં સ્કેચીંગની ઝીણવટપૂર્ણ સમજ વખાણવા યોગ્ય છે.'

પત્રમાં પાર્થના ઉજ્જવળ ભાવિની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, 'મને વિશ્વાસ છે કે અનુભવ અને સતત અભ્યાસથી તમારી પ્રતિભા વધુ નિખરશે અને તમે ભવિષ્યમાં સફળતાની નવી ઉંચાઇએ પહોંચશો.' પાર્થની સફળતા માટે શુભેચ્છા.

(2:39 pm IST)