Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

સંજય દલપત વસાવા નામના શિક્ષકે કુંવારી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કર્યો

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકે શિક્ષણ જગત પર લાંછન લાગે એવું અમાનુષી કૃત્ય કર્યું

રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકે શિક્ષણ જગત પર લાંછન લાગે એવું અમાનુષી કૃત્ય કર્યું છે.શિક્ષકે કુંવારી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કર્યો હતો, પોતાનો ધ્યેય સિદ્ધ થતા શિક્ષકે અંતે યુવતીને તરછોડી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ ગરુડેશ્વર તાલુકાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો સંજય દલપત વસાવાની માતા અને પિતા યુવતીના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા હતા, જો કે સંજય દલપત વસાવાની પત્નીનું મૃત્યુ થયું હતું અને 13 વર્ષીય દીકરી હોવા છતાં એ યુવતીએ લગ્ન માટે હા પાડી દીધી, બન્નેવના પરિવારની સંમતિથી લગ્ન કરવાનું નક્કી થયું.

હવે સબંધ નક્કી થયા પછી શિક્ષક સંજય દલપત વસાવા યુવતીને રાજપીપળા વડીયા ખાતેની વૃંદાવન સોસાયટી ખાતેના પોતાના ઘરે અવાર નવાર લઈ જતો અને યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.જો યુવતી વિરોધ કરે તો ધમકી આપતો કે હું તારી લગ્ન નહિ કરું.એવામાં યુવતી ગર્ભવતી થઈ ગઈ, તો સંજયે યુવતીને ગર્ભપાત કરાવવાની ગોળીઓ લાવી આપી, બાદ ગાયનેક ડોક્ટરની સલાહથી અન્ય ટ્રિટમેન્ટ પણ કરી.

આટલું થયા પછી સંજયે ધીમે ધીમે યુવતી સાથેનો સંપર્ક ઘટાડી દીધો, યુવતીના પરિવારને શંકા ગઈ જેથી યુવતીના પરિવારે જ્યારે સંજય પાસે લગ્નની તારીખ માટે ગયા ત્યારે સંજય યુવતી સાથે લગ્ન કરવાની ધરાર ના પાડી દીધી.જેથી યુવતીએ ગરુડેશ્વર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંજય દલપત વસાવા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:06 pm IST)