Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

દક્ષિણ ગુજરાતમાં વરસાદના પગલે ઉકાઇ ડેમ ઓવરફલો થતા તાપી નદીના નીચાણવાળા વિસ્‍તારમાં રહેતા લોકો ઉપર સંકટ

અડાજણ રેવાનગરના લોકોનું સલામત સ્‍થળે સ્‍થળાંતર

સુરત: ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. તેની માત્ર અસર ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાવાનુ નામ જ નથી લઈ રહ્યો. દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયા છે. ઉકાઈ ડેમ ઓવરફ્લો થતા તાપી નદીના નીચાણવાળા ભાગમાં રહેતા લોકો પર સંકટ મંડરાઈ રહ્યું છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે. હાલ ડેમમાં 2,42,176 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો સામે ડેમમાંથી 2,07,253 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમના 22 ગેટ પૈકી 15 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 ગેટ 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમની સપાટી 342.15 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયનજક સપાટી 345 ફૂટ પહોંચી છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડતા નદી કિનારેના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરત વિયર કમ કોઝવેની સપાટી 9.6 મીટર થઈ છે. કોઝવેથી પાણીની જાવક 253662 ક્યુસેક છે. સુરત અડાજણ રેવાનગરના લોકોને રાત્રે સ્થાનાંતર કરાયા છે. બે લાખ ક્યુસેક પાણી છોડતા તમામને સ્થાનાંતર કરાયા છે. નજીકની સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે. મોડી રાત્રે તમામને તકેદારીના ભાગે શિફ્ટ કરાયા છે. મેયર મોડી રાત્રે રેવા નગર પહોંચ્યા છે.

રેવા નગરમાં તાપીના પાણી ઘૂસ્યા 

તાપી નદીમાં પાણીનું લેવલ વધતા સુરતના રેવા નગરમાં પાણી ભરાયા છે. મોડી રાત્રે 7 પરિવારોને સરકારી સ્કૂલમાં ખસેડાયા હતા. હાલ તમામ લોકોની હાલત દયનીય બની છે. આ પરિવારોનો મોટાભાગનો સામાન પાણીમાં ગરકાવ થયો છે. મનપા નુકસાની વળતર ચૂકવે તેવી તેમણે માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં આ સપ્ટેમ્બરમાં રેકોર્ડબ્રેક 16 ઇંચ વરસાદ નોંધાયો છે. સીઝનનો 52 ટકા વરસાદ માત્ર 28 દિવસમાં વરસ્યો છે.

(4:51 pm IST)