Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રાજ્યભરમાં જન્માષ્ટમી પર્વની આસ્થાભેર ઉજવણી : તમામ મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી : ગામે ગામે ગોકુળિયો માહોલ:દિવ્ય શોભાયાત્રા

ન્માષ્ટમીને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ: મંદિર પરિસરમાં રોશનીનો ઝગમગાટ : વિવિધ ભક્તિભાવના કાર્યક્રમો

અમદાવાદ : જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજ્યના નાના-મોટા તમામ મંદિરોને સજાવવામાં આવ્યા છે. શ્રાવણ મહિનાનો સોમવાર અને જન્માષ્ટમીનું પર્વ એકસાથે આવવાને કારણે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

વડોદરામાં જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અહીના ઇસ્કોન મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

અમદાવાદમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોરની થીમ પર ભગવાનને શણગારવામાં આવ્યા છે. આ માટે ભગવાનના વાઘા ખાસ વૃંદાવનથી લાવવામાં આવ્યા છે. આ સિવાય વિવિદ દેશના ફૂલોથી ખાસ સજાવટ કરવામાં આવી છે. મંદિરમાં દિવસ દરમિયાન વિવિદ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમીનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે. આજના પર્વ નિમિત્તે મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યુ છે જ્યારે ફૂલોના સિંહાસન પર ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે.

કોરોના ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને કોઇ એક જ સ્થળે ભીડ ભેગી ના થાય તેનું ધ્યાન પણ મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવી રહ્યુ છે. ઇસ્કોન અને રાધાકૃષ્ણ મંદિરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. ભગવાનને 56 ભોગનો પ્રસાદ ચઢાવવામાં આવશે જ્યારે કૃષ્ણ જન્મોત્સવમાં 200 જેટલા ભક્તોને જ પ્રવેશ આપવામા આવશે.

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કૃષ્ણ જન્મોત્સવ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત આ ગુજરાતની બીજા નંબરની શોભાયાત્રા પાલીતાણામાં ફરશે.

સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ જન્માષ્ટમી પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે અને શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. રાજકોટ, મોરબી, ખંભાળિયા, જામનગર, ટંકારા અને ધોરાજીમાં કૃષ્ણ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.

દ્વારકામાં જન્માષ્ટમીને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજાધિરાજના જન્મદિવસ પર ખાસ કેસરી રંગના વાઘા પહેરાવવામાં આવ્યા છે. મોર પીંછના ચિન્હો ધરાવતા સોના-ચાંદીના તાર તેમજ હીરા જડિત વસ્ત્રો ખાસ સુરતથી તૈયાર કરાવીને મંગાવવામાં આવ્યા છે. મંદિરમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહ્યુ છે અને તે અનુસાર જ ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

(2:24 pm IST)