Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ડાકોરમાં રણછોડજીની કંકુ તિલક વિધિ અને અભ્યંગ સ્નાન, શ્રીજીને નિરખવા ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે જન્માષ્ટમીની ઉજવણીનો અનેરો ઉમંગ ઉત્સાહ સવારથી જ જોવા મળ્યો. વહેલી સવારે મંગળા આરતી થઇ તો જન્માષ્ટમી નિમિત્તે રાજા રણછોડરાયને કંકુ તિલક કરાયું તો સોનાના શંખથી અભ્યંગ સ્નાન પણ કરાવાયુ હતુ. આ અભ્યંગ સ્નાન વર્ષમા બે વખત કરવામા આવે છે.

એક જન્માષ્ટમી અને બીજી કાળી ચૌદસે સોનાના શંખથી રણછોડરાયજીને અભ્યંગ સ્નાન કરાવામાં આવે છે. સવારે મંગળા આરતી બાદ શ્રીજીને કંકુ તિલકની વિધિ કરાઇ તો એ પછી સોનાના શંખથી અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું હતુ. શ્રીજીને મધ, પંચામૃત, આમળા તેમજ કેસર સ્નાન કરાવવામાં આવ્યું. જન્માષ્ટમીએ શ્રીજીને નિરખવા સવારથી જ ભકતોનુ ઘોડાપુર પણ જોવા મળ્યુ.

આજે શ્રાવણ વદ આઠમ. એટલે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ.વ્હાલાંના વધામણાં કરવા માટે સમગ્ર વિશ્વમાં વસવાટ કરતા ભક્તો થનગની રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણના સુપ્રસિદ્ધ મંદિરોમાં આનંદ અને ઉત્સાહભેર શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

(12:07 pm IST)