Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમદાવાદ જિલ્લાની 3844 સગર્ભા મહિલાઓને નિધરાડ ખાતે સોમવારે પૈષ્ટિક લાડું વિતરણ કરાશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઈ શાહની હાજરીમાં કાર્યક્રમ: જિલ્લાના સાણંદ, બાવળા અને દસક્રોઇ તાલુકાના 3844 સગર્ભા બહેનોને લાભાન્વિત થશે

અમદાવાદ :કેન્દ્રીય ગૃહ મંત્રી તથા સહકાર મંત્રી અમીતભાઈ  શાહ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા પણ હાથ ધરશે. આવતીકાલે તા.30મી ઓગસ્ટના રોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ ખાતે સગર્ભા બહેનોને પૈષ્ટિક લાડું વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રીના આ કાર્યક્રમથી અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસક્રોઇ તાલુકાના 3844 સગર્ભા બહેનોને લાભાન્વિત થશે.

સહી પોષણ, દેશ રોશન તેમજ હર ઘર પોષણના વિચારને સાર્થક કરતાં આ કાર્યક્રમના લાભાર્થી બહેનોને સંબોધીને કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે સગર્ભા બહેનોને પોષક અને સમતોલ આહાર લેવાનો આગ્રહ કરતાં કહ્યું છે કે, સગર્ભાવસ્થાથી બાળકની બે વર્ષની ઉંમર સુધીનો 1 હજાર દિવસનો સમયગાળો સુવર્ણ દિવસ ગણાય છે ત્યારે આ સમય દરમિયાન માતા અને બાળકની તંદુરસ્તી અને સલામતિ એ પરિવારની અને સમાજની જવાબદારી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે તા.28મી ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ  શાહ આવતીકાલ 30મી ઓગસ્ટ સુધી ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા પણ હાથ ધરશે. ગઇકાલે 28મીના રોજ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં યોજાયેલ ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીં કમિટી ( દિશા )ની બેઠકમાં અમદાવાદ જિલ્લા તથા શહેર જિલ્લાની કમગીરીની સમીક્ષા કરી હતી. આજે ગાંધીનગરમાં સમાવિષ્ટ અમદાદ શહેરના વિકાસકામોની સમીક્ષા કરી હતી. આવતીકાલે સોમવારે નિધરાડ ખાતે લાડું વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે.

(9:05 am IST)