Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

સુરતના સરથાણામાં ઘરનો દરવાજો લોક થઈ જતા દંપતી અને બાળક ઘરમાં ફસાયુ : ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ તમામને બહાર કાઢ્યા

સરથાણા જકાતનાકા વ્રજચોક નજીક હરે ક્રિષ્ના રેસીડેન્સીમાં ફસાયેલ પરિવારને ફાયર બ્રિગેડની ટીમે અડધા કલાકની જેહમત બાદ બહાર કાઢયા

સુરત તા.30 : સુરત ફાયર બ્રિગેડની સરાહનીય કાર્યવાહી સામે આવી છે. જેમાં સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે એક મકાનમાં બેડરૂમનો દરવાજો લોક થઈ જતા દંપતી અને બાળક ઘરમાં ફસાઈ ગયા હતા. જેની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અડધા કલાકની ભારે જહેમત બાદ દરવાજો તોડીને ઘરના સદસ્યોને બહાર કાઢ્યા હતા.

ફાયર અધિકારીના જણાવ્યા મુજબ, સરથાણા જકાતનાકા વ્રજચોક નજીક હરે ક્રિષ્ના રેસીડેન્સીમાં સાતમા માળે રહેતા નારાયણભાઈ કપસુરા અને તેમની પત્ની દયાબેન તેમજ પુત્ર અક્ષ સહિત ત્રણ લોકો ઘરના બેડરૂમમાં હતા, અચાનક બેડરૂમના દરવાજાનું ઓટોમેટીક લોકનું હેન્ડલ તૂટી ગયું હતું. જેને કારણે દરવાજો લોક થઈ ગયો હતો અને ચાવીથી પણ દરવાજો બહારથી ખુલી શકે તેમ ન હતું. જેથી તેઓએ આ અંગે પરિચિતને જાણ કરતા રાત્રિના 11:00 વાગે ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ઘટનાનો કોલ મળતા ફાયર સબ ઓફિસર દિનુ પટેલ ટીમ સહિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને એક માર્શલે રસ્સો બાંધી આઠમા માળની બારીમાંથી નારાયણભાઈના સાતમા માળના ફ્લેટની બારી સુધી મોકલ્યો હતો અને ત્યારબાદ દરવાજો તોડીને ત્રણેને બહાર કાઢવામાં આવ્યા હતા. અડધા કલાકની જેહમત બાદ ફાયર બ્રિગેડની ટીમે તમામને સહી સલામત બહાર કાઢતા નજીકમાં હાજર સૌ લોકોએ રાહતનો દમ લીધો હતો.

(11:30 pm IST)