Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસે દૂરબીન લઈ જઈ ભાજપના વિકાસનો અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો

પાલિકા પ્રમુખે કહ્યું - વિકાસહિન કોંગ્રેસ હવે હવાતિયાં ઉપર આવી ગયું, તો વિપક્ષ નેતાએ કહ્યું - શાસકોએ કરેલા વિકાસનો અરીસો બતાવ્યો

ભરૂચ તા. 30 : ભરૂચ પાલિકાની આજે સામાન્ય સભા મળી હતી. પોણા બે કલાક ચાલેલી સભામાં વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપને પ્રજાના પ્રાણ પ્રશ્નો મુદ્દે ભારે ભીંસમાં લેતા દરેક મુદ્દે સભા ઉગ્ર તોફાની બની ગઇ હતી. તેમજ વિપક્ષ કોંગ્રેસે દૂરબીન લઈ આવી 27 વર્ષથી ભાજપના રાજમાં તેમને કરેલા વિકાસનો અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસે પ્રિ-મોન્સૂન કામગીરી, કાંસની સફાઈ, રસ્તાના પેચ વર્ક, ડ્રેનેજ, ડોર ટુ ડોર, લાઈટ, પાણી અને ડંપિંગ સાઇટ મુદ્દે ઉગ્ર ચર્ચા કરી શાસક પક્ષને ભીંસમાં લીધો હતો. કોંગી કોર્પોરેટેરો સભામાં દૂરબીન લઈ આવી શહેરમાં ક્યાં વિકાસ થયો છે તે બતાવવા ભાજપને કઈ વિરોધ નોંધાવ્યો હતો.

આગામી સમયમાં કોંગ્રેસ પાલિકાને સુપર સીડ કરવાની માંગણી કરશે તેવી ચીમકી વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઉચ્ચારી છે. પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ સભા મુદ્દે વિપક્ષના ઉગ્ર દેખાવોને લઈ કહ્યું હતું કે, વિકાસ વિહીન કોંગ્રેસ હવે હવાતિયાં ઉપર આવી ગયું છે. પ્રજાને કોંગ્રેસ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.

 

ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ શહેરનું રત્ન છે. વર્ષોથી ભરૂચ પાલિકા દ્વારા તેના વિકાસના નામે કરોડો રૂપિયાની ફળવણીની જાહેરાત કરાઈ છે પણ હજી સુધી રતન તળાવ વિકાસના ફળ ચાખી શક્યું નથી. રતન તળાવના દુર્લભ કાચબાઓના રક્ષણ માટે પણ વર્ષો વીત્યા છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. આજની સામાન્ય સભામાં ફરી રતન તળાવના વિકાસ માટે રૂ.10 કરોડ સુધીની રકમ ફાળવવાની જાહેરાત કરાઈ હતી. જેમાં પાલિકા પ્રમુખે કહ્યું હતું કે, શહેરના માતરિયા તળાવની જેમ રતન તળાવને વિકસાવાશે. જેમા રિટેઇનિંગ વોલ અને વોક વે પણ હશે. હવે સમય જ બતાવશે કે રતન તળાવનો વિકાસ કઈ રીતે થાય છે. સભામાં અન્ય વિકાસના કામોમ વોટર વર્ક્સ માટે પણ રૂપિયા 10 કરોડની જાહેરાત અને અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે રૂપિયા 16 કરોડની જોગવાઈ કરાઈ હોવાની વાત કરવામાં આવી હતી.

(11:29 pm IST)