Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોન ઉડાવી દારૂની ભઠ્ઠીઓ શોધવાનો પ્રયાસ કર્યો

પોલીસને 6 દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડવામાં સફળતા મળી : તમામ ભઠ્ઠીઓ તોડી દેશી દારૂ તેમજ રસાયણનો નાશ કરાયો

સુરત તા.30 : બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરની પોલીસ હરકતમાં આવી છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ પોલીસ દ્વારા તાપી નદીના કિનારા વિસ્તાર તેમજ ઝાડી-ઝાખરા વિસ્તારમાં હજુ પણ કાર્યરત એવી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા માટે ડ્રોન ઉડાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન પોલીસે 6 જેટલી ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી.

 

કામરેજ સહિતના નદી કાંઠાના વિસ્તારમાં પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠીઓ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે દેશી દારૂની ભઠ્ઠીઓ દેશી દારૂના તેમજ રસાયણ ના વેચાણ પર રોગ લગાવવા તમામ પોલીસ મથકોને કડક આદેશ આપ્યો છે. જેને પગલે હવે સુરત રૂરલ પોલીસ દ્વારા વિવિધ ગ્રામીણ વિસ્તારમાં ડ્રોન દ્વારા દેશી દારૂનું દુષણ ડામવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. મોટાભાગે નદી કિનારે જ્યારે ઝાંખડામાં ભઠ્ઠીઓમાં દેશી દારૂ કાઢવામાં આવે છે. અને તેવી ભઠ્ઠીઓ સુધી પોલીસ માટે પહોંચવું ઘણી વખત મુશ્કેલ થઈ જતું હોય છે. ત્યારે આવી જગ્યા પર રેડ કરવા માટે પોલીસ દ્વારા હવે ડ્રોન ઉડાવી જે તે સ્થળે રેડ પાડી કાર્યવાહી કરવામાં આવશે. કામરેજ સહિતના નદી કાંઠાના વિસ્તારમાં પોલીસે ડ્રોનની મદદથી દારૂની ભઠ્ઠીઓ શોધવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યાં દારૂની ભઠ્ઠીઓ તો મળી હતી. પણ આ દારૂનો વેપલો કરનાર કોઈ પોલીસના હાથે લાગ્યું ન હતું.

બોટાદના બરવાળા ગામની ઘટના બાદ સુરત ગ્રામ્ય પોલીસ હવે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સજજ બની છે. છેલ્લા ચાર દિવસમાં સુરત શહેર અને ગ્રામીણ પોલીસ દ્વારા 200થી વધુ જગ્યાઓ પર રેડ કરવામાં આવી છે. અને દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ કાર્યવાહી હજી પણ તે જ કરવામાં આવશે તેવું પોલીસ સૂત્ર જણાવી રહ્યા છે. ત્યારે હાલ પૂરતું તો સુરત શહેરમાં દેશી દારૂના ઘંઘા કરતા બૂટલેગરોમા પણ ફફડાટ ફેલાયો છે.

(11:28 pm IST)