Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

અમદાવાદ સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને પૂર્વ DJPની જામીન અરજીઓ ફગાવી

2002ના ગુજરાત રમખાણમાં બનાવટી દસ્તાવેજોની મદદથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવાનો આરોપ

અમદાવાદ તા.30 : સુપ્રીમ કોર્ટના અવલોકન બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરેલ કેસમાં તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DJP) આર.બી શ્રી કુમારની ધરપકડ એક મહિના અગાઉ કરવામાં આવી હતી. બંને પક્ષકારો દ્વારા કરવામાં આવેલ જામીન અરજી મામલે છેલ્લા કેટલાક દિવસથી તારીખ પર તારીખ પડી હતી પરંતુ આજે કોર્ટે આપેલ ચુકાદામા તેમની જામીન અરજી ફગાવી છે.

બંનેએ આ ઘટનાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. કોર્ટે મંગળવારે સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજીઓ પર પોતાનો આદેશ પહેલા ગુરુવાર અને પછી શનિવાર સુધી મુલતવી રાખ્યો હતો. સેતલવાડ, શ્રીકુમાર અને પૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને ધરપકડ કરી હતી.

SITએ કોર્ટને જણાવ્યું હતું કે સેતલવાડ અને શ્રીકુમાર ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે કરવામાં આવેલા "મોટા ષડયંત્ર"નો ભાગ હતા. તેમના પર આરોપ છે કે 2002ની ગોધરા ટ્રેન ઘટના પછી પટેલના કહેવાથી સેતલવાડને રૂ. 30 લાખ ચૂકવવામાં આવ્યા હતા.

SITએ દાવો કર્યો હતો કે શ્રીકુમાર "અસંતુષ્ટ સરકારી અધિકારી" હતા જેમણે " ચોક્કસ ઉદ્દેશયથી સમગ્ર ગુજરાતના ચૂંટાયેલા નેતાઓ, અધિકારીઓ અને પોલીસ વહીવટને બદનામ કરવા આ ઘટનાનો દુરુપયોગ કર્યો હતો".

(9:42 pm IST)