Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે અસાધારણ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરનાર બહુમુખી પ્રતિભા ધરવનાર મહેન્દ્રભાઈ શાહના જીવન અને કવનને આવરી લેતા 'ગૌરવ ગુરુ શિખર ' અભિનંદન ગ્રંથનું લોકાર્પણ કર્યું

લેખક અને વરિષ્ઠ પત્રકાર મહેન્દ્રભાઈનું દરેક ડગલું સમાજ અને રાષ્ટ્રના હિત માટે રહ્યું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ:દરેક ભારતીય એક ડગલું આગળ વધશે તો એ દેશને કરોડ ડગલાં આગળ લઈ જશે: મુખ્યમંત્રી

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે લેખક અને વરિષ્ઠ પત્રકાર  મહેન્દ્રભાઈ શાહના જીવન અને કવનને આવરી લેતા ' ગૌરવ ગુરુ શિખર ' અભિનંદન ગ્રંથનું લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, આ ગ્રંથ આપણા સૌ માટે ગૌરવનું ગુરુ શિખર છે. આ ગ્રંથ જેના પર લખવામાં આવ્યો છે એવા મહેન્દ્રભાઈ શાહ ખરેખર મળવા અને માણવા જેવા માણસ છે તેમજ તેમની પાસેથી ઘણું આજની પેઢીને શીખવા મળી શકે છે
તેમણે વધુમાં કહ્યું કે, દેશને આઝાદી અપાવનારા સૌ ક્રાન્તિવીરોએ આપણને રાષ્ટ્રને સમર્પિત થઈ જવાની પ્રેરણા આપી છે અને વર્તમાનમાં  મહેન્દ્રભાઈ શાહ જેવા મહાનુભાવો આપણને આવી જ પ્રેરણા આપતું જીવન જીવી રહ્યા છે એટલુ જ નહિ મહેન્દ્રભાઈનું દરેક ડગલું સમાજ અને રાષ્ટ્રના હિત માટે રહ્યું છે.
અમૃત મહોત્સવ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ સાબરમતીના તટ પરથી આ અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવતા કહ્યું હતું કે,  દરેક ભારતીય એક ડગલું આગળ વધશે તો એ દેશને કરોડ ડગલાં આગળ લઈ જશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીએ આપેલા મંત્ર 'સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસ' થકી આજે દેશ આગળ વધી રહ્યો છે. આજે આપણે એક સાથે રહીને ધારેલા તમામ કાર્યો પાર પાડી રહ્યા છીએ અને એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને દેખાડ્યું પણ છે.
આ પ્રસંગે સરકારની સિદ્ધિઓની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, આજે અમે એક ટીમ વર્કથી કામ કરી રહ્યા છીએ. આ સરકાર નાનામાં નાના માણસ અને છેવાડાના માનવી સુધી પહોંચીને રાજ્ય સરકારની અનેક યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. એટલુ જ નહિ કોઈપણ નાગરિકને કચેરીઓના ધક્કા ન ખાવા પડે એવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ અવસરે રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીએ રાષ્ટ્રભાવ સાથે જોડાઈને 13થી 15મી ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવવા આહવાન પણ કર્યું હતું.
આ પ્રસંગે લેખક મહેન્દ્ર શાહે પોતના અત્યાર સુધીના જીવનના અનેક પ્રેરક પ્રસંગો ઉપસ્થિત મહાનુભાવો રજૂ કર્યા હતા.મહેન્દ્ર શાહે આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવ વેપારીઓ તેમજ વિવિધ ક્ષેત્રની હસ્તીઓને વડાપ્રધાન દ્વારા 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનમાં પણ જોડાવવાની અપીલ પણ કરી હતી.

આ અવસરે ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પી.કે. લેહરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ, સ્વાગત કમિટીના ચેરમેન શ્રી પ્રમોદભાઈ શાહ, જીસીસીઆઈના પ્રમુખ- હોદ્દેદારો તેમજ વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

(7:58 pm IST)