Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ભારતની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ને વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા બહોળો પ્રતિસાદ :ફક્ત ૨૩ દિવસમાં ૨૩ લાખથી વધુ રજીસ્ટ્રેશનઃ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

ક્વિઝના ત્રીજા અઠવાડિયામાં ૨.૬૫ લાખ વિદ્યાર્થી સ્પર્ધકોએ ભાગ લીધો : સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલશે આ ક્વિઝ અભિયાન:દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર દરમિયાન રમાય છે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે: ત્રીજા સપ્તાહમાં શાળા કક્ષાના ૧,૭૨,૧૫૩થી વધુ, કોલેજ કક્ષાના ૫૨,૩૯૦ થી વધુ વિધાર્થીઓએ અને અન્ય ૪૧,૧૫૮ પ્રજાજનોએ ક્વિઝમાં ભાગ લીધો: અત્યારસુધીમાં રાજ્યના ૪૬૦૦ થી વધુ વિજેતા વિદ્યાર્થીઓના ખાતામાં DBT મારફતે રુ.૭૬,૭૬,૬૦૦ ઇનામ પેટે ટ્રાન્સફર કરવામાં આવ્યા

અમદાવાદ :શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ૭ જુલાઇથી શરૂ થયેલી ભારતની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)’ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર ૨૩ દિવસમાં જ ૨૩ લાખથી વધુ રજીસ્ટ્રેશન નોંધાયા છે. સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આ ક્વિઝ અભિયાનમાં પ્રથમ અઠવાડિયામાં ૪ લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જ્યારે બીજા અઠવાડિયામાં ૩.૬૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જેનાથી એક નવો રેકોર્ડ બન્યો છે.

જેની પરિપાટીએ ક્વિઝના ત્રીજા અઠવાડિયામાં ૨.૬૫ લાખ વિદ્યાર્થી સ્પર્ધકોએ ભાગ લઇને પોતાની પ્રતિભાને ઉજાગર કરી છે.
તેમણે ઉમેર્યું કે,ત્રીજા સપ્તાહમાં શાળા કક્ષાના ૧,૭૨,૧૫૩થી વધુ, કોલેજ કક્ષાના ૫૨,૩૯૦ થી વધુ વિધાર્થીઓએ અને અન્ય ૪૧,૧૫૮ પ્રજાજનોએ ક્વિઝમાં ઉત્સાહભેર ભાગ લઇ જ્ઞાનની સરવાણી વહાવી છે.
આ ક્વિઝ દર અઠવાડિયે રવિવારથી શુક્રવાર દરમિયાન રમાય છે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે.
તેમણે ઉમેર્યું કે,ત્રીજા સપ્તાહમાં જે ક્વિઝ રમાઈ હતી, તેમાં શાળા કક્ષાએ  ૩૮૯૨ અને કોલેજ કક્ષાએ ૩૨૧૪  વિધાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૫૮૭૯ એમ કુલ ૧૨,૯૮૫  વિજેતાઓ આજે જાહેર થયા છે. જેનું પરિણામ g3q.co.in વેબસાઇટ પર જોઈ શકાશે.
ત્રીજા સપ્તાહમાં રાજ્યની કુલ ૮૯૫૪ શાળાના વિધાર્થીઓએ જ્યારે ૨,૨૮૦ કોલેજના યુવાઓએ આ ક્વિઝ મહાઅભિયાનમાં ભાગ લીધો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે, ત્રીજા સપ્તાહ દરમિયાન ક્વિઝમાં વિધાર્થીઓએ કુલ ૩,૦૦૦થી વધુ પ્રશ્નોની ક્વિઝ રમી ભારત તથા ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર થયાં હતાં. સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ, ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ચાલનાર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને ૨૫ કરોડથી વધુના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે.
તાલુકા અને વોર્ડ કક્ષાની G3Q ક્વિઝ માટે આ સ્પર્ધામાં શાળા કક્ષાએ પ્રથમ વિજેતાને રૂ. ૨૧૦૦,બીજા નંબરથી પાંચમાં નંબર સુધીના પ્રત્યેક વિજેતાને રૂ. ૧૫૦૦,છઠ્ઠા નંબરથી દસમાં નંબર ના પ્રત્યેક વિજેતાને રૂ.૧૦૦૦
જ્યારે કોલેજ કક્ષાએ પ્રથમ વિજેતાને રૂ. ૩૧૦૦,બીજા નંબરથી પાંચમાં નંબર સુધીના પ્રત્યેક વિજેતાને રૂ. ૨૧૦૦,છઠ્ઠા નંબરથી દસમાં નંબરના પ્રત્યેક વિજેતાને રૂ.૧૫૦૦ પ્રમાણે બેંકમાં DBT મારફતે ટ્રાન્સફર કરવામાં આવશે.
અત્યારસુધીમાં રાજ્યના ૪૬૦૦ થી વધુ વિજેતા વિદ્યાર્થીઓના ખાતામાં DBT મારફતે રુ.૭૬,૭૬,૬૦૦ ઇનામ પેટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું

(7:53 pm IST)