Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

દહેગામમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી બિલ્ડરને ઘર છોડવાની નોબત આવી

દહેગામ :  દહેગામ શહેરમાં વ્યાજખોરોની ઊંચી ઊઘરાણીના કારણે બિલ્ડરને ઘર છોડવાનો વારો આવ્યો છે. બિલ્ડર ઘરે વ્યાજખોરોના નામે ચિઠ્ઠી લખીને ગૂમ થઈ ગયા બાદ બિલ્ડરના પત્નીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે બે વ્યાજખોરોને સકંજામાં લીધા છે અને અન્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દહેગામમાં રહેતા અને બિલ્ડર હોવા ઉપરાંત દલાલીનું કામ કરતા ભાવિનભાઈ બારોટની પત્ની પ્રીતિબેન બારોટ (રહે.સોલંકીવાસ, બારોટવાડા,દહેગામ)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર તેમના પતિ અને તેઓ પોતાના બે  સંતાનો સાથે દહેગામમાં રહે છે અને તેમના પતિ ભાવિનભાઈ બિલ્ડર હોવા ઉપરાંત દલાલીનું કામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી ભાવિનભાઈ સતત ટેન્શનમાં રહેતા હતા ત્યારે એક દિવસ તેમને કહ્યું હતું કે, વ્યાજખોરો મારી પાસે કડક ઉઘરાણી કરે છે. વ્યાજ સાથે મૂડી આપી દીધી હોવા છતાં પણ સતત ઉઘરાણી કરે છે અને મારી નાખવાની પણ ધમકી આપે છે. કનુ રબારી, ગોવિંદના સગા લલ્લુ રબારી પાસેથી ગોવિંદે પાંચ લાખ અપાવ્યા હતા અને જેમાં વ્યાજ સાથે ૧૫ લાખ આપ્યા હોવા છતાં પણ ઉઘરાણી કરતા હતા. આ સિવાય જીવણકાકા પાસેથી પંચમ બંગ્લોઝની સાઈટ અઢી કરોડમાં રાખી જેમાં બે કરોડ ચૂકવ્યા હોવા છતાં પણ વ્યાજખોરો ઉઘરાણી કરતા હતા.    ભરત રબારી (અડવાણી) રામજી રબારી પાસેથી નહેરુ ચોકડીનો સોદો કરવા ૩૦ લાખ લીધા અને દસ્તાવેજ પછી આપવાનો વાયદો કર્યો હોવા છતાં ૩૦ લાખના બદલામાં ૬૫ લાખની ઉઘરાણી કરતા હતા. બિલ્ડર ભાવિનભાઈ વ્યાજખોરોની સતત ઉઘરાણીના કારણે સતત ટેન્શનમાં રહેતા હતા. દરમિયાન ભાવિન બારોટ ઘરેથી નીકળી ગયા હતા અને ચિલોડા પાસેની હોટલમાં રોકાયા હતા જ્યાં પત્નીને બોલાવી હતી. દરમિયાન પત્ની પોતાના બે સંતાનો સાથે પહોંચી હતી અને તેમણે વ્યાજખોરોના ત્રાસની વાત કરી હતી અને વાતાવરણ હળવું થઈ જાય પછી ઘરે આવીશ તેમ કહ્યું હતું. દરમિયાન ગત ૮મી જુલાઈના રોજ પ્રીતિબેનના ઉપર ફોન આવ્યો હતો અને જેમાં પોતે અજય રબારી બોલતો હોવાનું કહ્યું હતું અને તારા પતિને અમે કેશવ હોટલથી ઉઠાવી લીધો છે. બાદમાં ભાવિન બારોટને વ્યાજખોરો ચાંદખેડા ખાતે લઈ ગયા હતા અને જ્યાં કોરા કાગળ ઉપર સહીઓ કરાવી લીધી હતી અને દહેગામ ઘરે મૂકી ગયા હતા. વ્યાજખોરો જ્યારે ભાવિનભાઈને ઘરે મૂકવા આવ્યા ત્યારે તેમના બંને હાથ પાછળથી બાંધેલા હતા. બાદમાં ૧૧મી જુલાઈના રોજ સવારે ભાવિન ભાઈ ઘરેથી એકાએક ક્યાંક ચાલ્યા ગયા હતા અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. દરમિયાન ટેબલ ઉપરથી તેમના હાથે લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડી રહ્યો છું તેવું લખ્યું હતું. જે આઠ વ્યાજખોરોના નામ હતા તેમાં અજય ઈશ્વરભાઈ રબારી, ભરત રબારી, રામજી રબારી, ગોવિંદ કનુભાઈ રબારી (રહે.દહેગામ), લલ્લુભાઈ રબારી (રહે.શાહપુર, તા.ગાંધીનગર), જીવણભાઈ રબારી (રહે.કલોલ.જિ.ગાંધીનગર), હિતેશ રબારી અને સંજય રબારી (રહે.ચાંદખેડા,અમદાવાદ)નો સમાવેશ થાય છે. પોલીસે આ પૈકી બે વ્યાજખોરો ભરત રબારી (અડવાણી) અને રામજી રબારીને ઝડપી લીધા છે અને અન્ય છ વ્યાજખોરોને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

(7:24 pm IST)