Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

સાણંદ ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો : વીજ મહોત્સવની ઉજવણી કરાઇ

વિવિધ ફિલ્મ દ્વારા ભારત સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અને ઉર્જા ક્ષેત્રે થયેલ કામગીરી રજૂ કરી તેમજ નુક્કડ નાટક દ્વારા ગ્રામ્ય વીજળીકરણ અને ઉર્જાબચત અંગેનો સંદેશ અપાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સાણંદમાં ઉજ્જવલ ભારત ઉજજવલ ભવિષ્ય પાવર ૨૦૪૭ ની ઉજવણીના ભાગ રૂપે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમિટેડના સયુંક્ત ઉપક્રમે વીજ મહોત્સવની ઉજવણી નગરપાલિકા હોલ સાણંદ મુકામે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ સાણંદ બાવળા ધારાસભ્ય કનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ નેહલબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા, સાણંદ પ્રાંત અધિકારી તમન્નાબેન ઝાલોડીયા તથા એસ.આર. શર્મા સિનિયર જનરલ મેનેજર પાવર ગ્રીડ કોર્પોરેશન, એમ.આર.કોટડીયા નાયબ ઇજનેર સાણંદ-૧, આર.આર.મકવાણા નાયબ ઈજનેર-સાણંદ ૨ તેમજ આજુબાજુના ગામોના સરપંચ સાથે આગેવાનો તેમજ આશરે ૨૦૦ વીજગ્રાહકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત પુષ્પ ગુચ્છથી કર્યા બાદ સદર કાર્યક્રમની વિગતવાર માહિતી અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉર્જા વિભાગની ઉપલબ્ધિઓની વિગતવાર છણાવટ કે.ડી.બારોટ કાર્યપાલક ઇજનેર બાવળા વિભાગીય કચેરી દ્વારા કરી કાર્યક્રમની શરૂઆત કરેલ કાર્યક્રમ દરમિયાન વિવિધ ફિલ્મ દ્વારા ભારત સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અને ઉર્જા ક્ષેત્રે થયેલ કામગીરી રજૂ કરેલ તેમજ નુક્કડ નાટક દ્વારા ગ્રામ્ય વીજળીકરણ અને ઉર્જાબચત અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગને અનુરૂપ સાણંદ બાવળા ધારાસભ્ય તથા અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ઉપસ્થિત જનમેદનીને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ૮ વર્ષમાં ઉર્જા ક્ષેત્રે કરવામાં આવેલ કામગીરીની સિધ્ધિઓ અંગે જાણકારી આપતું વક્તવ્ય આપેલ તેમજ આ સિદ્ધિને અનુરૂપ તેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિશેષ નોધ પણ લીધેલ. કાર્યક્રમના અંતે એસ.આર.શર્મા સિનિયર જનરલ મેનેજર પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સદર આયોજનમાં સહભાગી થનાર તમામ વ્યક્તિ એજન્સી સંસ્થાનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ હતો. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(6:46 pm IST)