Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ઊર્જાના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે નવિન ઊર્જા સ્ત્રોત અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ હવેના સમયની માંગ છેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

રાજ્યની રિન્યુએબલ એનર્જીની કુલ સ્થાપિત ક્ષમતામાં ૧૦પ ટકાનો વધારો થયો છે : ઉજવલ ભારત ઉજવલ ભવિષ્ય પાવર@2047 અંતર્ગત વીજળી મહોત્સવવમાં સહભાગી થતા મુખ્યમંત્રી:ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇની પ્રેરક ઉપસ્થિતી

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઊર્જાને માનવજીવનની જરૂરિયાત અને જીવનનો હિસ્સો ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ઊર્જાના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે નવિન ઊર્જાસ્ત્રોત અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ હવેના સમયની માંગ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાનું જે સપનું જોયુ છે તેમાં આ રિન્યુએબલ એનર્જી સેક્ટરનું પણ ઘણું મહત્વ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉજવલ ભારત ઉજવલ ભવિષ્ય પાવર@2047 અંતર્ગત આયોજિત વીજળી મહોત્સવ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇને આ અવસરે રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ તથા નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલના લોન્ચીંગ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ આ અવસરે ગુજરાતના કવાસ ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ સહિત દેશના વિવિધ રાજ્યોના ઊર્જા પ્રકલ્પોના ઇ-ખાતમૂર્હત કર્યા હતા.
કેન્દ્ર સરકારની મિનીસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાનએ દેશના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ આ વેળાએ પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં આયોજિત વીજળી ઉત્સવમાં સહભાગી થઇને રૂફટોપ તથા સોલાર પ્લાન્ટના ગુજરાતના લાભાર્થીઓને તથા ઝૂંપડપટ્ટી વીજળીકરણ અન્વયે વિનામૂલ્યે વીજકનેક્શન મેળવનારા લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર રિન્યુએબલ એનર્જીને હંમેશા પ્રોત્સાહન આપતી આવેલી છે. ચારણકા સોલાર પાર્ક અને સોલાર રૂફટોપ જેવા પ્રોજેક્ટથી ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનું દિશાદર્શક રાજ્ય બન્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, પાછલા બે દાયકાઓમાં રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાની દિશામાં સરકારે સોલાર પોલિસી, વિન્ડ એનર્જી પોલિસી, સ્મોલ હાઇડ્રો પોલિસી તથા હાઇબ્રીડ એનર્જી પોલિસી જેવી અનેક પોલિસીઓનો સફળ અમલ કર્યો છે.
  ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યુ કે, આના પરિણામે રિન્યુએબલ ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતામાં ૧૦૫ ટકાનો વધારો થયો છે. ર૦૦૧માં આ ક્ષમતા ૧૬પ મેગાવોટ હતી તે ર૦રરમાં ૧૭,૩૦૦ એ પહોચી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં કચ્છમાં ૩૦ હજાર મેગાવોટ ક્ષમતાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં લોકોને વીજળીના ઉપયોગ અને ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા સોલાર રૂફટોપ યોજનાને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં ર લાખ ૯૬ હજાર ૭પ૦ થી વધુ વીજગ્રાહકોએ સોલાર સિસ્ટમ સ્થાપિત કરીને રૂ. ૧૯રર કરોડથી વધુની સબસિડી મેળવી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા ર૦રપ માં ૪૧ ગીગાવોટ તથા ર૦૩૦માં ૬૬ ગીગાવોટ સુધી પહોચાડી ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદન માટેની નેમ દર્શાવી હતી.
તેમણે કહ્યું કે, ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદન દ્વારા કાર્બન ઇમીશનનો પ્રધાનમંત્રીનો નિર્ધાર પાર પાડવા ગુજરાત તત્પર છે.
ઊર્જા મંત્રી  કનુભાઇ દેસાઇએ આ પ્રસંગે જણાવ્યું કે, કોઈ પણ રાજ્ય કે પ્રાંતના સર્વાંગી વિકાસ માટે વીજળી-પાણીની ભૂમિકા મહત્વની છે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શાસનધુરા સંભાળી ત્યારથી વીજળી-પાણી ક્ષેત્રના વિવિધ કામોને પ્રાધાન્ય આપ્યું હતું. જેની ફળશ્રુતિ રૂપે આજે રાજ્યના ૧૮ હજાર ગામડાઓમાં ૨૪ કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે તેમ ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યમાં પવન-સોલાર ઊર્જા થકી ૫ હજાર મેગાવોટ જેટલી ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં રાજ્યમાં અપાતી ગુણવત્તાયુક્ત વીજ પુરવઠાએ મહત્વની ભૂમિકા અદા કરી છે. આ વર્ષે ગુજરાતમાં થયેલ સારા વરસાદમાં ગ્રામ્યકક્ષાએ વીજ પુરવઠો ખોરવાવાની ઘટના નહીંવત બની છે, તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ  મમતા વર્માએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ઉજવલ ભારત, ઉજવલ ભવિષ્ય પાવર@2047 હેઠળ છેલ્લા સપ્તાહમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં ૭૧ જેટલા વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયા હતા આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો છે.      
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની ચાર વીજ કંપનીઓને રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ ચાર રેન્કિંગ અપાયું છે. સોલાર રૂફટોપમાં પણ ગુજરાત અગ્રેસર છે. વીજ કટોકટીમાં પણ ગુજરાતમાં સતત વીજળી આપણે ઉપલબ્ધ કરાવી છે તેની વિગતો તેમણે આપી હતી.
આ પ્રસંગે વડાપ્રધાનએ ગુજરાતમાં અમદાવાદના અસલાલીના સોલર રુફટોપના લાભાર્થી  ધીરેનભાઈ પટેલ સાથે  વિડીઓ સંવાદ કરતા લાભાર્થીએ જણાવ્યું હતું કે ચાર કિલોવોટના સોલર રૂફટોપ થકી આજે તેઓને  પોતાના ઘર વપરાશ માટે વીજળી વિનામૂલ્યે પડે છે એટલું જ નહીં પણ વધારાની વીજળી વીજ કંપનીઓની વેચીને તેમાંથી કમાણી પણ કરે છે. સરકારની યોગ્ય નીતિઓના પરિણામે ભારતનો નાગરિક આજે વીજ વપરાશકર્તાની સાથે વીજ વેચાણકર્તા બન્યો છે.
વીજળી મહોત્સવના રાજ્યકક્ષાના સમાપન સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર  હિતેષભાઈ મકવાણા, ધારાસભ્ય  શંભુજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ  દિલીપભાઈ પટેલ, યુજીવીસીએલના એમ.ડી.  જયપ્રકાશ શિવહરે, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર ડો. ધવલ પટેલ, પાવર ફાયનાન્સ કોર્પોરેશનના ચેરમેન-એમ.ડી. રવિન્દ્રસિંઘ ઢિલ્લો, PDEUના ડી.જી. મનોહરન સહિત ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(6:42 pm IST)