Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હવે ટ્રસ્ટે હવે ભક્તો માટે ફરાળી ચીક્કીના પ્રસાદનું વિતરણ શરૂ કર્યું

શ્રાવણ માસના પ્રથમ દિવસેથી ફરાળી પ્રસાદનું પણ વિતરણ વ્યવસ્થા શરુ કરાઈ

અંબાજી: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સૌથી વધુ શું વખણાય છે? તો તમારા મગજમાં સૌથી પહેલા અંબાજીનો પ્રસાદ આવશે. કેટલાક ભક્તો એવા પણ છે, જેઓ મંદિરમાં બેસીને આખુ બોક્સ ખાઈ જાય છે. શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં રોજ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા માટે આવતા હોય છે. અંબાજીમાં મંદિર તરફથી પ્રસાદમાં મોહનથાળ આપવામાં આવે છે. મોહનથાળનો ટેસ્ટ આજે સમગ્ર દેશની દાઢે વળગે છે. હાલ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આ પ્રસાદ ઉપવાસ રાખનારા લોકો ખાઈ શક્તા નથી. તેથી હવે અંબાજી મંદિરમાંથી ફરાળી પ્રસાદ પણ આપવામાં આવશે. મોહનથાળીન જેમ આ ફરાળી પ્રસાદ પણ વિદેશ કે દૂરના સ્થળે માતાજીનો પ્રસાદ લઈ જઈ શકાશે. મંદિર ટ્રસ્ટે હવે ભક્તો માટે ફરાળી ચીક્કીના પ્રસાદનું હવે વિતરણ શરૂ કર્યું છે. ઉપવાસમાં આરોગી શકાય તેવા મા અંબાના આ પ્રસાદથી ભક્તોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે, જેઓ હાલ શ્રાવણ તથા ચાર્તુમાસના ઉપવાસ કરી રહ્યાં છે.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં વર્ષોથી મોહનથાળનો પ્રસાદ પ્રચલિત છે, ને પણ એક જ જેવા ટેસ્ટ સાથે વર્ષોથી વહેંચાય છે. ત્યારે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળના પ્રસાદ સાથે ફરાળી પ્રસાદનું વિતરણ પણ શરૂ કર્યું છે.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ ઉપવાસમાં ખાઈ શકાતો નથી. તેથી આંબાજીમાં આવતા પુનમીયા તેમજ રવિવાર હોય કે અન્ય વાર તહેવારે ઉપવાસ રાખનાર લોકો મોહનથાળનો પ્રસાદથી વંચિત રહી જાય છે. ઉપવાસ હોવાથી ખાઈ સકતા ન હતા, ત્યારે તેવા ઉપવાસના સમયે પણ માં અંબેનો પ્રસાદ શ્રદ્ધાળુઓ આરોગી શકે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજે શ્રાવણ માસના પ્રથમ દિવસેથી ફરાળી પ્રસાદનું પણ વિતરણ વ્યવસ્થા શરુ કરાઈ છે. ખાસ કરીને દેશ વિદેશમાં અંબાજીનો પ્રસાદ સરળતા લઈ જઈ શકાય તેના માટે સૂકા અને ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીકીના પ્રસાદનું વેચાણ આજથી મંદિર ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવ્યું છે.

આ વિશે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ જણાવે છે કે, શ્રાવણ માસના પ્રથમ દિવસથી અંબાજી મંદિરમાં ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીકીનું વિતરણ શરુ કરાયું છે. જેથી યાત્રિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ ઉપવાસમાં મોહનથાળનો પ્રસાદ ખાઈ શક્તા ન હતા, માત્ર માથે અડાડીને મૂકી દેતા હતા. ત્યારે હવે ઉપવાસીઓ પણ ફરાળી ચીકી ખાઈ શકે છે. અહીં આવનાર ભક્ત હવે ઉપવાસ હોય તો પણ પ્રસાદ વગર નહિ રહે.

આ ફરાળી ચીકીનો પ્રસાદ સીંગ, તલ, ખાંડના મિશ્રણથી બનાવવામાં આવે છે. 100 ગ્રામના પેકેટ રૂપિયા 25 માં વિતરણ માટે મૂકાયા છે. ચીકીના પેકેટ ઉપર ‘બેસ્ટ બિફોર 2 મહિના’ની તારીખ પણ દર્શાવામાં આવી છે.

(4:23 pm IST)