Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કરજણની ખાંધા ગામે આવેલ પ્રાથમિક શાળા મધ્યાહન ભોજનમાં જીવાતવાળી દાળ પિરસાઈ

ધોરણ 1 થી 8 ના લગભગ 176 વિદ્યાર્થીઓ બપોરના ભોજન માટે બેસ્યા હતા

વડોદરા: ગુજરાતમાં ગરીબ બાળકોને પિરસાતા મધ્યાહન ભોજન પર હંમેશા સવાલો ઉઠતા રહે છે. બાળકોને અનેકવાર જીવતાવાળુ ભોજન પિરસાયાના કિસ્સા બન્યા છે. ત્યારે કરજણની ખાંધા ગામે આવેલ પ્રાથમિક શાળા મધ્યાન ભોજનમાં જીવાતવાળી દાળ પિરસાઈ હતી. દાળમાં જીવડું નીકળતા 176 બાળકો ખાલી ભાત જમીને ઉભા થયા હતા. ત્યારે તપાસ કરતા અનાજમાં પણ જીવાત મળી આવી હતી.

કરજણની ખાંધા પ્રાથમિક કેન્દ્ર શાળા નંબર 29 ની આ ઘટના હતી. શુક્રવારે પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના લગભગ 176 વિદ્યાર્થીઓ બપોરના ભોજન માટે બેસ્યા હતા. ત્યારે દાળમાં જીવડા જેવું કંઈક દેખાયુ હતું. શિક્ષકોએ ધ્યાનથી જોયુ તો દાળમાં જીવાત હતી. તેથી તેમણે દાળ ફેંકી દીધી હતી, અને બાળકોને માત્ર ભાત ખાવા આપ્યો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકે કહ્યુ, અમે ડોલમાં જોયુ તો જીવડા જેવુ દેખાતુ હતુ તો બાળકોને ન ખવડાવ્યું.

તો કરજણમાં અનાજના ગોડાઉનથી સસ્તા અનાજનો જથ્થો આવ્યો હતો અને સુરવાડા ગામની સસ્તા અનાજની દુકાનમાં અપાયો હતો. જ્યાંથી અનાજ શાળાને અપાય છે. 176 વિદ્યાર્થીઓની સંખ્યા પમાણે ઘઉં, ચોખા, તુવેર દાળ, મગ દાળ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે અનાજ તો પૂરતું આવે છે, પરંતુ સારુ અનાજ આપવામાં તંત્રની બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવામા આવે છે. સસ્તા અનાજના નામે વિદ્યાર્થીઓને જેવુતેવુ અનાજ પધરાવાઈ દેવાય છે. 

(4:23 pm IST)