Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્‍થા ‘ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ'ના માનદ - ઉપપ્રમુખ પદે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની નિયુક્‍તિ

ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્‍થિત લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ૧૯૫૮માં સ્‍થાપિત ‘ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ' આર્થિક - સામાજીક વંચિત સમાજની બહેનોને સ્‍વરોજગારી પૂરી પાડે છે : નવી પેઢીમાં ગાંધી - મૂલ્‍યો - વિચારોના પ્રસાર તેમજ રાષ્‍ટ્ર-ભાવનાનું સંસ્‍કાર-ચિંતન થાય તે માટે પિનાકી મેઘાણી સવિશેષ કાર્યરત છે

રાજકોટ તા. ૨૯  : ગુજરાતની એકમાત્ર ઊની ખાદી સંસ્‍થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના માનદ્‌-ઉપપ્રમુખ પદે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી મેઘાણીની નિયુક્‍તિ થઈ છે. નવી પેઢીમાં ગાંધી-મૂલ્‍યો-વિચારોના પ્રસાર તેમજ રાષ્ટ્ર-ભાવનાનું સંસ્‍કાર-સિંચન થાય તે માટે પિનાકી મેઘાણી સવિશેષ કાર્યરત છે. જેમને મહાત્‍મા ગાંધીએ રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા આજીવન ખાદી ધારણ કરનાર ઝવેરચંદ મેઘાણીએ ખાદી-ગ્રામોદ્યોગનો પણ પ્રચાર-પ્રસાર કર્યો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.

ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર (જિ. બોટાદ) સ્‍થિત લોકસંત, ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ૧૯૫૮માં સ્‍થાપિત ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ આર્થિક-સામાજિક વંચિત સમાજની બહેનોને સ્‍વરોજગારી પૂરી પાડે છે. છેલ્લા ૪૦ વર્ષથી ખાદી-ગ્રામોદ્યોગ-રચનાત્‍મક ક્ષેત્ર સાથે સંકળાયેલાં ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન, જગતાત સ્‍વ. ફલજીભાઈ રાહાભાઈ ડાભીના પૌત્ર ગોવિંદસિંહ દાજીભાઈ ડાભી આ સંસ્‍થાના ચેરમેન છે. ગાંધી-મૂલ્‍યો-વિચારોને વરેલાં લોકસેવક, રવિશંકર મહારાજ-મુનિશ્રી સંતબાલજીના નિકટના સાથી, ખાદી-સહકારી-ખેડૂત આગેવાન, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના પ્રમુખ, સ્‍વ. ફલજીભાઈ  ડાભીના પુત્ર દાજીભાઈ ડાભી સંતબાલ-પરિવારના મોભી છે. 

અગ્રણીઓ ગગુભાઈ ગોહિલ, માનદ્‌-મંત્રી અનિરુધ્‍ધસિંહ ચાવડા, મોબતસંગ મોરી, ભીખુભા ડોડીયા, રમેશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, જયશ્રીબેન પાટડીયા, દિલીપસિંહ ગોહિલ, ગંભીરસિંહ ગોહિલ, બળવંતસિંહ ગોહિલ, સુરેશભાઈ સોલંકી,  કેયૂરભાઈ કાછીયા, ઘનશ્‍યામભાઈ શાહ, સંસ્‍થાના મંત્રી હરદેવસિંહ રાણા, રમેશભાઈ પરમાર, કલ્‍પેશભાઈ શાહ સહિત કર્મચારી-કારીગર બહેનો-ભાઈઓની ઉપસ્‍થિતિ રહી હતી.    મહાત્‍મા ગાંધી, કસ્‍તૂરબા, સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ, મુનિશ્રી સંતબાલજી, મૂકસેવક રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પરીક્ષિતભાઈ મજમુદાર, છોટુભાઈ મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, ગુલામ રસૂલ કુરેશી, કાશીબેન મહેતા, સ્‍વામી જ્ઞાનચંદ્રજી, સુરાભાઈ ભરવાડ, હરિવલ્લભભાઈ મહેતા, દુલેરાય માટલિયા, મણિભાઈ પટેલ, ડો. શાંતિભાઈ પટેલ, જસ્‍ટીસ ટી.યુ.મહેતા, બળવંતભાઈ ખંઢેરિયા, ચતુરભાઈ પટેલ, મીરાબેન પટેલ, કમળાબેન શાહ, મનુભાઈ પંડિતને ઉપસ્‍થિત સહુએ મૌનાંજલિ અર્પણ કરી હતી. ખાદી સંસ્‍થાની બહેનોએ ગાંધી-મેઘાણી-ગીતો રજૂ કરીને સ્‍વરાંજલિ અર્પી હતી.(૨૧.૪૨)

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(11:48 am IST)