Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

પોલીસ-બુટલેગરોની સાંઠગાંઠથી સર્જાયો લઠ્ઠાકાંડ

બરવાળા કથિત લઠ્ઠાકાંડઃ સીટનો રિપોર્ટ સનસનાટી મચાવે છે : ગ્રામિણ - શહેરી વિસ્‍તારોમાં પોલીસ - દારૂના ધંધાર્થીઓની ‘મીલિભગત' છેઃ સરહદી રાજયોમાંથી દારૂની થતી હેરાફેરી રોકવી જરૂરીઃ દોષિતો સામે કડક પગલા ભરવા ભલામણ

અમદાવાદ, તા.૩૦: સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનાર અને ૪૨ થી વધુ લોકોનો ભોગ લેનાર રાજયના કથિત લઠ્ઠાકાંડ સંદર્ભે રચવામાં આવેલ ૩ સભ્‍યોની સ્‍પે.ઇન્‍વેસ્‍ટીગેશન ટીમ (સીટી) આજે પોતાનો તપાસ રીપોર્ટ રાજય સરકારને આપી રહી છે. IGP સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળની સીટની ટીમે સરહદ રાજયોમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની દાણચોરી રોકવા ઉપર ભાર મૂકયો છે એટલુ જ નહિ એવુ જણાવ્‍યાનું પણ કહેવાય છે કે, ગ્રામિણ તથા શહેરી વિસ્‍તારોમાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને બુટલેગરો વચ્‍ચે સાંઠગાંઠ પ્રર્વતી રહી છે.

કથિત લઠ્ઠાકાંડ રીપોર્ટ બોટાદમાં બુટલેગરો દ્વારા ઉપયોગમાં લેવાતા મિથાઈલ આલ્‍કોહોલ જેવા ઝેરી રસાયણોના વેચાણ પર નિયંત્રણ તરફ પણ નિર્દેશ કરે છે, જેણે ૪૨ થી વધુ લોકોના જીવ લીધા હતા અને દારૂ પીનારા અન્‍ય લોકોને અસર કરી હતી.

એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે વણવેચાયેલી સામગ્રીમાંથી મોકલવામાં આવેલા નમૂનાઓમાં લગભગ ૯૯% મિથાઈલ આલ્‍કોહોલ મળી આવ્‍યો હતો.

એસઆઈટીએ કથિતપણે તેના અહેવાલમાં કેટલાક પોલીસ અને બુટલેગરો વચ્‍ચે સંભવિત સાંઠગાંઠનો ઉલ્લેખ કર્યો છે જેઓ દુર્ઘટના પછી પકડાયા હતા. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે કે આ એક કોપના કોલ ડેટા રેકોર્ડના આધારે જાણવા મળ્‍યું છે જે હાલ સસ્‍પેન્‍ડ છે. ‘તે CDR પરથી સ્‍પષ્ટ છે કે પોલીસ બોટાદના બરવાળાના બુટલેગરો સાથે સંપર્કમાં હતી,' એક અધિકારીએ જણાવ્‍યું હતું.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, SITએ કથિત લઠ્ઠાકાંડનાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ ભલામણ કરી છે. અન્‍ય એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, ‘અમે બેદરકારી દાખવનારા તમામ પોલીસકર્મીઓ સામે તપાસની ભલામણ પણ કરી છે અને આવા લોકોને પોલીસ દળમાંથી બરતરફ કરવાનું સૂચન પણ કર્યું છે.'

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું કે SIT એ અમદાવાદમાં ૨૦૦૯ના લઠ્ઠાકાંડપછી ભૂતપૂર્વ IPS અધિકારી જી સી રાયખરે તેમના અહેવાલમાં સૂચવેલા મુદ્દાઓને આધારે પગલાં લેવાની ભલામણ પણ કરી છે જેમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા.

એસઆઈટીએ આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ અને પોલીસકર્મીઓની પણ પૂછપરછ કરી છે જેમના કાર્યક્ષેત્રમાં આ ઘટના બની હતી.

દરમિયાન, નશાબંધી અને આબકારી વિભાગે કેટલાક ફેક્‍ટરી માલિકો અને વિભાગના જ અધિકારીઓ વચ્‍ચે સંભવિત સાંઠગાંઠ હોવાનો સંકેત આપ્‍યો છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે એવું માનવામાં આવે છે કે રિપોર્ટ સબમિટ થયા બાદ વિભાગના કેટલાક અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શકયતા છે.

આમોસ વેરહાઉસના ઈન્‍ચાર્જ રાજેશ ઉર્ફે રાજુએ ૬૦૦ લીટર મિથાઈલ આલ્‍કોહોલની ચોરી કરી અન્‍ય આરોપીને વેચી માર્યો હતો અને પછી બોટાદના બુટલેગરોને કેમિકલ વેચી દીધું હતું. જોકે પોલીસ દાવો કરે છે કે કેમિકલ સાદા પાણીમાં ભેળવવામાં આવતું હતું અને તેને દેશી દારૂ તરીકે વેચવામાં આવતું હતું, કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું હતું કે દેશી દારૂ તરીકે વેચાતી કોઈપણ વસ્‍તુ, જે મળત્‍યુનું કારણ બને છે, તે લઠ્ઠો સિવાય બીજું કંઈ નથી.

દરમિયાન, રાજ્‍યમંત્રી (ગળહ) હર્ષ સંઘવીએ પણ દોષિતો સામે કડક કાર્યવાહી કરવા અને કેસને ઝડપી લેવા સૂચન કર્યું હતું. ‘અમે ઘટનાના દિવસથી ૧૩ દિવસમાં ચાર્જશીટ સબમિટ કરવાની આશા રાખીએ છીએ.'

લઠ્ઠાકાંડમાં દુર્ઘટનામાં ૪૨ થી વધુ વ્‍યક્‍તિઓના મળત્‍યુને પગલે સ્‍થાનિક ક્રાઇમ બ્રાન્‍ચ (બોટાદ) અને સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપ (બોટાદ) ના વધુ ૧૨ પોલીસકર્મીઓની બોટાદ જિલ્લામાંથી બદલી કરવામાં આવી હતી. અગાઉ, ગુરુવારે, બે ડીએસપી સહિત છ પોલીસકર્મીઓ અને અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા, જ્‍યારે એસપી બોટાદ કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્‍યના એસપી વિરેન્‍દ્રસિંહ યાદવની રાજ્‍ય સરકારે બદલી કરી હતી.

(10:23 am IST)