Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ગુજરાતી અભિનેતા રસિક દવેનું ૬૫ વર્ષની વયે નિધન

ગુજરાતી તખ્‍તાનો દેખાવડો ચહેરો હવે ઇશ્વરની વિંગમાં : રસિક દવે છેલ્લા બે વર્ષથી કિડનીની સમસ્‍યાથી હેરાન થતા હતા અને કેટલાક દિવસોથી તે હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતા

મુંબઇ,તા. ૩૦: પ્રખ્‍યાત અભિનેતા રસિક દવેનું મુંબઇ ખાતે ૬૫ વર્ષની વયે નિધન થયું છે. રસિક દવે ગુજરાતી તખ્‍તા અને ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહી ચુક્‍યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ ડાયાલિસીસ પર હતા અને થોડા દિવસથી તબિયત કથળતા મુંબઇની હોસ્‍પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ખુબજ મિલનાસર સ્‍વભાવના હતા. તેમના હસતા ચહેરા તથા દમદાર અભિનયને કારણે તેઓ દર્શકોમાં પણ ખૂબ જ લોકપ્રિય હતા. તેમના નિધનથી ગુજરાતી નાટ્‍ય જગતમાં એક અણધારેલી ખોટ પડી છે. બી આર ચોપરાની સિરીયલ મહાભારતમાં તેમણે નંદનું પાત્ર ભજવ્‍યું હતું.

તેમના પરિવારમાં પત્‍ની કેતકી દવે તથા એક દીકરી તથા દીકરો છે. રસિક દવેના નિધનને પગલે નાટ્‍ય વિશ્વના મિત્રોએ ગહેરો શોક વ્‍યક્‍ત કર્યો હતો અને સોશ્‍યલ મીડિયા પર તેમની સાથેની સ્‍મૃતિઓ શબ્‍દોમાં અને તસવીરોમાં શેર કરી હતી.

રસિક દવે તેમના અવાજ, તેમની ડાયલોગ ડિલીવરી અને કોઇ અતિ સ્‍ટાઇલિશ સ્‍ટાર જેવા ઓરાને કારણે હંમેશાથી દર્શકોમાં ખૂબ પોપ્‍યુલર હતા, ઇશ્વર દિવંગતના આત્‍માને શાંતિ આપે તેવી પ્રાર્થના. 

(10:57 am IST)