Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ભરૂચના ઝઘડિયામાં મધુમતી ખાડી ઓવરફ્લો થતા પૂરની સ્થિતિ :રાજપરા સહિતના 5 ગામના લોકોને ભારે મુશ્કેલી

ભરૂચના  ઝઘડિયામાં આવેલ મધુમતી ખાડી ઓવરફ્લો થઈ છે. ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા અવરજવર માટેનો રસ્તો સંપૂર્ણ ઠપ્પ થયો છે. પરંતુ ગામલોકો જીવના જોખમે પણ અવરજવર કરી રહ્યા છે. ઝઘડિયા તાલુકામાં આવેલા રાજપરા અને આસપાસના પાંચ ગામના લોકોને દર ચોમાસાએ આ જ રીતે પાણીમાંથી પસાર થઈને રસ્તો પસાર કરવો પડે છે. દર ચોમાસે આ ગામના લોકોની આ જ સમસ્યા હોય છે પરંતુ તંત્ર દ્વારા તેમની સમસ્યા સામે કોઈ ધ્યાન દેવામાં આવતુ નથી. પાણીના ધસમસતા પ્રવાહમાંથી લોકોને અવરજવર કરવી પડે છે.

દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ) થતા આ પ્રકારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાઈ જવાથી ગામલોકો તેમના ધંધા રોજગાર પર પણ જઈ શક્તા નથી. બાળકોને શાળાએ જવામાં પણ ભારે હાલાકી વેઠવી પડે છે. બાળકોને તેમના વાલીઓ ખભે બેસાડી નદી પાર કરાવે છે.

દર ચોમાસાએ આ પ્રકારે પાણી ભરાઈ જવાથી ગામમાં કોઈ એમ્બ્યુલન્સ પણ આવતી નથી.  ગામલોકો વર્ષોથી ખાડી પર પુલ બાંધવાની તંત્ર પાસે માગ કરી રહ્યા છે.  છેલ્લા લાંબા સમયથી ગામલોકો રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમની રજૂઆત તરફ ધ્યાન દેવામાં આવતુ નથી. ત્યારે વર્ષોની સમસ્યાથી કંટાળી ગયેલા પાંચ ગામના લોકોએ આગામી વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે

(11:39 pm IST)