Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અમદાવાદમાં મનપાની સામાન્ય ચૂંટણીમાં કુબેરનગર વોર્ડની મતગણતરી ફરી કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે 7 મેના રોજ કુબેરનગર વોર્ડની મતગણતરી ફરી હાથ ધરાશે. :રાજ્ય ચૂંટણી પંચે પરિપત્ર જાહેર કર્યો

અમદાવાદમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુબેરનગર વોર્ડની મતગણતરી ફરી કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે 7 મેના રોજ કુબેરનગર વોર્ડની મતગણતરી ફરી હાથ ધરાશે. આ મામલે રાજ્ય ચૂંટણી પંચે પરિપત્ર જાહેર કર્યો છે. મહત્વનું છે કે ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીએ વાંધો ઉઠાવ્યો હતો. જગદીશ મોહનાનીને વિજેતા જાહેર કર્યા બાદ બે દિવસમાં પરિણામ બદલાયું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં થયેલી ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં ફેર મત ગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતાને જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ ચૂંટણીના પરિણામને કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીએ સુપ્રીમ કોર્ટ સુધી પડકારી હતી અને જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી 14 દિવસમાં મતની ફેર ગણતરી માટેના આદેશો આપવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના આદેસના પગલે હવે આગામી 7મી મેના રોજ અમદાવાદ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજમાં વર્ષ 2021માં કુબેરનગર વોર્ડના મતદારોએ મત આપ્યા હતા તેમના મતોની ગણતરી કરવામાં આવશે. નોંધનીય છે કે, 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરીમાં કોંગ્રેસની આખી પેનલ જીતી હતી. બાદમાં તેઓએ 25 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના ઉમેદવારો જીતનું સરઘસ કાઢ્યું હતું. 26મી ફેબ્રુઆરીના રોજ રાતે જીતનું સર્ટિફિકેટ કલેકટર ઓફિસની ટીમે પોલીસ કાફલા સાથે આવી ‘તમે હારી ગયા છો’ કહી સર્ટિફિકેટ લઇ ગયા હતા. જગદીશ મોહનાનીએ જણાવ્યું હતું કે એક વખત સર્ટિફિકેટ આપ્યા પછી સર્ટિફિકેટ પરત લઈ ન શકે

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 14 કુબેરનગરમાં કોંગ્રેસની પેનલની જીત થઈ હતી, પરંતુ ભાજપનાં મહિલા ઉમેદવાર ગીતાબા વિશાલસિંહ ચાવડાએ પોતાના મત વધુ હોવા છતાં તેમને હારેલાં જાહેર કરવામાં આવ્યાં હોવાની ચૂંટણીપંચમા રજૂઆત કરી હતી, કારણ કે 9મા રાઉન્ડની ગણતરી બાકી રહી ગઈ હોવાથી ભૂલ થઈ હતી. આ બાબતે ચૂંટણીપંચે બે દિવસમાં તપાસ કરી અને નવમા રાઉન્ડની ગણતરીમાં ભૂલ હોવાનું તપાસમાં બહાર આવતાં તેમને મોડી રાતે વિજેતા જાહેર કરી કાઉન્સિલર તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું

(1:04 am IST)