Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુજરાતની ભૂમિથી પ્રગટતા વિચારોથી દુનિયાને નવી દિશાનું દર્શન

આવતીકાલે ગુજરાતનો સ્‍થાપના દિન

રાજકોટ : વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર ગાંધીજી ગુજરાતી હતા. એક રીતે વિશ્વની નજર ગુજરાત તરફ છે. કેમ ગુજરાતની ભૂમિથી પ્રગટતા વિચારોથી દુનિયાને નવી દિશા સાંપડે છે. ગુજરાતમાં સદાકાળ માનવતાની મહેક પ્રસરે છે.ગુજરાતની ધન્‍ય ધરામાંથી નવ્‍ય વિચાર પ્રગટે છે. ગુજરાત રિદ્ધિ-સિદ્ધનો પ્રદેશ છે. ગુજરાતનું એક માત્ર ધ્‍યેય છે - પ્રગતિ. ગુજરાતનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ પુરાણો છે, પરંતુ વિચાર, ભાષા, પરંપરા અને સંસ્‍કૃતિ આધારિત અલગ ગુજરાત રાજયની સ્‍થાપના પૂજય રવિશંકર મહારાજના શુભ હસ્‍તે ૧લી મે, ૧૯૬૦ના રોજ થઈ. ગુજરાત મહાત્‍મા ગાંધીજીની પૂણ્‍યભૂમિ અને સરદાર સાહેબની જન્‍મભૂમિ - કર્મભૂમિ આવતીકાલે ગુજરાતનો ૬૨મો સ્‍થાપના દિવસ છે, ગુજરાતને આગામી વર્ષોમાં કઇ દિશામાં લઇ જવા ઇચ્‍છીએ છીએ, તે અંગે સંકલ્‍પ કરવો પડશે.
મનુષ્‍યજીવનની આસ્‍થાના પ્રતિક સમાન સોમનાથ, અંબાજી, અક્ષરધામ, મોઢેરાનું સૂર્યમંદિર અને ભગવાન કૃષ્‍ણની સોનાની નગરી દ્વારકા ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વમાં સત્‍ય, અહિંસા અને સદભાવનાના સંદેશથી માનવજાતને પ્રેરિત કરનાર ગાંધીજીનું નિવાસસ્‍થાન ‘સાબરમતી આશ્રમ'એ ગુજરાતની ઐતિહાસિક વિરાસત છે. વિશ્વભરમાં ભારતને અંતરિક્ષ ક્ષેત્ર ગૌરવ અપાવનાર અને મહાસત્તા તરીકે પ્રસ્‍થાપિત કરનાર ઈસરો-અમદાવાદ, ગાંધીનગરનું પ્‍લાઝમા રીસર્ચ સેન્‍ટર, મહેસાણાનું ઓઈલ રીસર્ચ સેન્‍ટર અને શિક્ષણ ક્ષેત્રે આઈ.આઈ.એમ., એન.આઈ.ડી. - અમદાવાદ, મહાત્‍મા ગાંધી મૂલ્‍યોને સિંચનાર ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિર નર્મદ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સહિતની સંસ્‍થાઓએ ગુજરાતને અગ્રેસર રાખવામાં શક્‍તિપુંજનું કામ કર્યું છે.
વિશ્વના દરેક ખુણામાં મહેનતુ પ્રજા તરીકે ગુજરાતીઓ જાણીતા છે અને પરિશ્રમ થકી ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે.
ગુજરાતે ‘ગુજરાતમાંથી' જ શીખવાનું છે. પરંતુ આ માટે ગુજરાતના વિકાસને પુનઃ વ્‍યાખ્‍યાયિત કરવાનો સમય આવી ગયો છે. આપણી ધરાએ ભૂતકાળમાં ઘણું જોયું છે, વેઠ્‍યું છે અને મહા-મહેનતે ફરી ગુજરાત ઊભું થયું છે. પછી એ ભૂકંપ હોય, દુષ્‍કાળ હોય કે માનવસર્જીત તોફાનો હોય - આ તમામ પ્રકારની આફતમાં ગુજરાત શાણપણ સાથે બહાર આવ્‍યું છે. વિતેલા વર્ષોમાં કોરોના મહામારીમાં ઊભી થયેલી કટોકટીએ આરોગ્‍ય સેવાના મોડેલની ત્રૂટિઓ છતી કરી છે. ગુજરાતનાં નાગરિકોને આર્થિક-સામાજિક-શૈક્ષણિક અને આરોગ્‍ય ક્ષેત્રની સેવા માટે વિચારતા કરી દીધા છે. ગુજરાતમાં ખેતમજૂરો, બાંધકામ મજુરો તથા ઉદ્યોગોમાં કામ કરનાર શ્રમિક-ગરીબ અને સામાન્‍ય વર્ગોના પરિશ્રમથી ગુજરાત ગૌરવવંતુ બન્‍યું છે. ઘરેથી કચરો ઉઠાવતા શ્રમિકો-કામદારોથી ગુજરાત ઊજળું છે. ત્‍યારે સરકારની નીતિઓમાંથી શ્રમિકોનો છેદ ઉડાડી દીધો છે, જે દુ;ખદ છે. કોન્‍ટ્રાક્‍ટ પ્રથા અને આઉટસોર્સિંગની નીતિ આર્થિક શોષણની ભાષા બની ગઈ છે. ખેતમજૂરો, બાંધકામ ક્ષેત્રના શ્રમિકો નોંધવામાં સરકાર ઉદાસીનતા સેવી રહી છે. સરકાર આરોગ્‍ય સેતુ એપ દ્વારા રોગપ્રતિકારક શક્‍તિ વધારવાની વાતો કરે છે અને બીજી તરફ ગરીબો-શ્રમિકોને એક ટંકનાં ભોજન માટે વલખા મારવા પડી રહ્યાં છે, આ વાતને આપણે ગુજરાતના સ્‍થાપના દિન અને શ્રમિક દિવસે સમજવી પડશે.
 ગુજરાતને ફરી પ્રગતિનાં પંથે લાવવા નવા જોમ-જુસ્‍સાની સાથે નક્કર દિશામાં કામ કરવું પડશે. આપણે શિક્ષણ-આરોગ્‍ય અને આર્થિક ક્ષેત્ર ફરીથી વિચારવું પડશે. ગુજરાતની ઓળખ સમાન લઘુ-મધ્‍યમ ઉદ્યોગો ઘણાં વર્ષોથી સંકટમાં છે. જીએસટી- નોટબંધી જેવા નિર્ણયો અને હવે કોરોના મહામારીને પગલે MSME સેક્‍ટર પોતાના કર્મચારીઓના પગાર ચૂકવવામાં પણ સક્ષમ રહ્યું નથી. બીજી તરફ શૈક્ષણિક યોગ્‍યતા ઘરાવતા લાખો યુવાનો પાસે સરકારી-ખાનગી રોજગાર મેળવવા મુશ્‍કેલ બની ગયા છે. આ સમય કોઈ ટીકા ટીપ્‍પણી કરવાનો નથી. પરંતુ આરોગ્‍યની આપત્તિ સમયે આપણા ગુજરાતને સ્‍વસ્‍થ બનાવવા લડી રહેલા ડોકર્ટસ,પેરામેડીકલ સ્‍ટાફ, નર્સ, આંગણવાડી, પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનો સહિતના યોદ્ધાઓની સુરક્ષા માટે સરકાર PPE કીટ ફાળવી શકી નહોતી તે હકીકત કેટલે અંશે યોગ્‍ય છે ? આ સવાલનો જવાબ મેળવવો પડશે.
પૂ. રવિશંકર મહારાજના માર્ગદર્શન અને પૂ. ઈન્‍દુચાચાના સંઘર્ષે દરેક ગુજરાતીને ગૌરવ અપાવ્‍યું છે અને રાજયનું શાસન પ્રજાના હાથમાં સોપાયું છે, ત્‍યારે આજે ગુજરાતના સ્‍થાપના દિવસે સહુ ગુજરાતી ભાઈ-બહેનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતની સ્‍થાપનાને આજે ૬૨ વર્ષ થઈ ગયાં. પૂ.રવિશંકર મહારાજ, પૂ. ઈન્‍દુચાચા અને ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી ડો. જીવરાજ મહેતાથી શરૂ થયેલી ગુજરાતના ગૌરવગાથામાં જે લોકોએ તન, મન અને ખંતથી ગુજરાતના ઘડતર માટે યોગદાન આપ્‍યું છે, તેવા તમામ સારથીઓને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે સલામ કરું છું.
ગુજરાતનું ગૌરવ દેશ-દુનિયા સુધી વધારવામાં દરેક ગુજરાતીનો મહત્‍વનો ફાળો રહ્યો છે. ‘દૂધમાં સાકર ભળે'એ રીતે સૌને ગુજરાતે પોતાનામાં સમાવીને માનવતાનું શ્રેષ્ઠત્તમ કામ કર્યું છે. સામાન્‍ય માણસની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં સરકાર ઉણી ઉતરી છે. નિષ્‍ફળતાઓને છુપાવવા માટે સત્તાનું સુકાન સંભાળતા શાસકો રોજ વાયદાનો વેપાર કરે છે. બીજીબાજુ ગુજરાતીઓના સપનાઓ સાકાર કરવા માટે પૂર્વજોએ રેડેલું લોહી અને પરસેવાની કિંમતનું વળતર સામાન્‍ય માણસ સુધી પહોંચી શક્‍યું નથી.
૧૯૬૦ થી ૨૦૨૨ સુધી એટલે કાલે ગુજરાતની સફરનો ૬૨માં સ્‍થાપના દિન છે. ત્‍યારે વીતેલા વર્ષોના શાસકોના વચનો પણ આ ગુજરાતની પ્રજા વાગોળી રહી છે અને સરકાર પાસે જવાબ માંગી રહી છે.
આજે ફરી એક વાર ગુજરાતના ઘડવૈયાઓને વંદન કરું છું.
જય જય ગરવી ગુજરાત, જય હિંદ !

ડો. મનિષ દોશી
મુખ્ય ­વક્તા, 
ગુજરાત ­દેશ કોîગ્રેસ સમિતિ

 

(3:13 pm IST)