Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ભવ્ય જીત નિશ્ચિત : વાઘાણી

જનતા જનાર્દનના આશીર્વાદ ચૂંટણીમાં મળશેઃ ભાજપ માટે સત્તા એ સેવા માટેનું એક માધ્યમ : વાઘાણી

અમદાવાદ, તા.૩૦, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જનતા જનાર્દનના આશીર્વાદથી આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપાનો ભવ્ય વિજય નિશ્ચિત છે. ભાજપની પ્રમાણિક અને વિકાસલક્ષી શાસનવ્યવસ્થાને લીધે આજે ગુજરાતના નગરો પણ શહેર સમકક્ષ સુવિધાયુક્ત થાય છે. તાજેતરમાં જ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં સતત છઠ્ઠીવાર પ્રજાએ ભાજપની વિકાસલક્ષી રાજનીતિ પર મહોર મારી છે. વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ૧૯૯૫ પહેલા ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ગામડાઓ તથા નગરોની હાલત અત્યંત દયનીય હતી. કોંગ્રેસના શાસનમાં ગુજરાતના ગામડાઓ તથા નગરોમાં પીવાના પાણી, રોડ-રસ્તા, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ શા માટે ઉપલબ્ધ નહોતી? તેનો જવાબ કોંગ્રેસ આપે. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટેની અબજો રૃપિયાની ગ્રાન્ટ કોંગ્રેસના શાસનમાં ક્યાં જતી રહેતી તેનો જવાબ કોંગ્રેસ આપે. વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સતત ત્રણ દાયકાથી હાર થઇ છે, ગુજરાતની પ્રજા કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી, કોંગ્રેસ તેનો જનાધાર ખોઇ બેઠી છે છતાં, કોંગ્રેસ વાસ્તવિકતાથી દૂર મુંગેરીલાલ કે હસીન સપનેની જેમ નગરપાલિકાઓ જીતવાના ખ્વાબ જોઇ રહી છે. કોંગ્રેસ જ્યારે જ્યારે સત્તા પર આવી છે ત્યારે ભ્રષ્ટાચારેૅ માઝા મુકી છે. કોંગ્રેસ માટે સત્તા એ ભ્રષ્ટાચારનું સાધન જ્યારે ભાજપ માટે સત્તા એ સેવા માટેનું માધ્યમ છે. કોંગ્રેસના જુઠઠાણાઓ અને ઠાલા વચનોને ગુજરાતની જનતા સુપેરે ઓળખે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય નિશ્ચિત છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ગુજરાતના નાના નગરોના વિકાસ માટે કાર્યો હાથ ધરાયા હતા.

(9:58 pm IST)