Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

એલજીમાં હવે સલામતી માટે બાઉન્સરો તૈનાત કરવા તૈયારી

તબીબોની માંગ અંતે સ્વીકારાતાં હડતાળ સમેટાઇ : હોસ્પિટલમાં વધારાના તેમજ હાઇ ફ્રિકવન્સી સીસીટીવી કેમેરા લગાવાશે : દર્દીના સગા સાથે તકરારને લઇને નિર્ણય

અમદાવાદ,તા. ૩૦ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી.હોસ્પિટલમાં દર્દીઓના સગા વ્હાલા અને ડોકટરો વચ્ચે સર્જાતી તકરારો અને અણબનાવને લઇ હવે અમ્યુકો તંત્ર દ્વારા સલામતી અને સુરક્ષાના ભાગરૂપે એલ.જી.હોસ્પિટલમાં  હવે વધારાના અને હાઇ ફ્રિકવન્સી સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તો, સાથે સાથે હવે ડોકટરો અને સ્ટાફની સુરક્ષા માટે બાઉન્સરો તૈનાત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કામાં ૧૮ જેટલા બાઉન્સરો તૈનાત કરવાનો સત્તાવાળાઓ દ્વારા નિર્ણય લેવાયો છે, જે સંભવતઃ તા.૧લી ફેબ્રુઆરીથી હોસ્પિટલ સંકુલમાં ફરજ પર મૂકી દેવાય તેવી પણ શકયતાઓ પ્રવર્તી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલમાં તાજેતરમાં પીડિયાટ્રીક વોર્ડમાં એક મહિલા તબીબી સાથે બાળ દર્દીના સગા સંબંધીઓ દ્વારા કરાયેલા અભદ્ર વર્તન બાદ વીફરેલા રેસીડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતરી ગયા હતા અને તેમની સુરક્ષા અને સલામતી સહિતના મુદ્દાઓને લઇ માંગણીઓ અમ્યુકો સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરી હતી. જેના અનુસંધાનમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ પણ આ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરી જરૂરી વાટાઘાટો અને પ્રક્રિયા હાથ ધરી હતી. જેના અનુસંધાનમાં એલ.જી.હોસ્પિટલમાં વધારાના હાઇ ફ્રિકવન્સી સીસીટીવી કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી એકાદ સપ્તાહમાં હોસ્પિટલમાં જરૂરી સ્થાનો પર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવશે. તો, બીજીબાજુ, ડોકટરો અને સ્ટાફની સુરક્ષા અને સલામતીને લઇ એલ.જી.હોસ્પિટલમાં હવે વી.એસ હોસ્પિટલની જેમ બાઉન્સરો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં પ્રાથમિક તબક્કામાં ૧૮ જેટલા બાઉન્સરો સુરક્ષામાં તૈનાત કરાશે. તા.૧લીએ નવા બાઉન્સરો હોસ્પિટલ સંકુલમાં ફરજ પર તૈનાત કરી દેવાય તેવી શકયતા છે. આ સિવાય હોસ્પિટલમાં દર્દીઓના સગાસંબંધીઓની તબીબી કામગીરીમાં વધુ પડતી દખલ કે અંતરાય ના બને તે હેતુસર જૂનો નિયમ કે દર્દીની સાથે વધુમાં વધુ બે સગા જ હાજર રહી શકશે તેની પણ કડકાઇથી અમલવારી શરૂ કરાવવાનું નક્કી કરાયું છે.

હોસ્પિટલના નારાજ ડોકટરો અને સ્ટાફની માંગણીઓ સંતોષાઇ જતાં ગઇકાલે બપોરે તેમની હડતાળ સમેટાઇ ગઇ હતી. જો કે, હજુ હોસ્પિટલમાં હાલની સીકયોરીટી ગાર્ડની સલામતી વ્યવસ્થા જે એજન્સીઓને સોંપાયેલી છે, તેમાં કંઇ દમ નહી હોવાનો ખુદ હોસ્પિટલના જ ડોકટરો અને સ્ટાફ સ્વીકારી રહ્યા છે, તેથી તેના બદલે કોઇ અન્ય ભરોસાપાત્ર અને અસરકારક કામગીરી કરી શકે તેવી સક્ષમ એજન્સીને સલામતી વ્યવસ્થામાં તેૈનાત કરાય તેવી પણ માંગણી ઉઠવા પામી છે.

(8:29 pm IST)