Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ધરમપુર: તામછડીની સીમમાં મુસાફરો ભરેલ બસ પલ્ટી ખાતા આધેડનું મોત: 14 ઈજાગ્રસ્ત

ધરમપુર:શહેરના તામછડી ગામની સીમમાં આજે સવારે મુસાફરો ભરી જતી જીપ પલટી જતાં થયેલા ગંભીર અકસ્માતમાંએક વ્યક્તિનું મોત થયું હતું.  જ્યારે ૧૪ વ્યક્તિઓને નાની-મોટી ઇજા થતાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, બે  વ્યક્તિની હાલત ગંભીર બનતા વધુ સારવાર માટે  ખસેડાયા હતા.

પ્રાપ્ત અને પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ધરમપુરના કોરવડ ગામે આજે સવારે જીપ (નં. જીજે-૨૪-એએ- ૦૭૬૦) મુસાફરોને ભરી ધરમપુર આવવા રવાના થઇ હતી. તામછડી ગામે અચાનક ચાલકનો સ્ટીયરીંગ પરનો કાબૂ જતો રહેતા જીપ રોડ પર પલટી ખાતા અકસ્માત થયો હતો.

અકસ્માતને પગલે લોકોએ દોડી જઇ ચાલક સહિત ૧૫ વ્યક્તિઓને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જો કે, બાપજી કાકડે  સાયરા (ઉ.વ. ૫૨, રહે. નાની કોરવડ)નું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિઓની હાલત ગંભીર બનતાં વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધરમપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં  પિયાગો રીક્ષા અને જીપ સંચાલકો નાણાં કમાવવાની લ્હાયમાં વાહનમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને લઇ જાય છે. જેને કારણે અકસ્માતોના બનાવોમાં નિર્દોષ વ્યક્તિઓ ભોગ બને છે. આરટીઓ અને પોલીસ વિભાગ કડક પગલા ભરે તે જરૃરી છે.

(4:42 pm IST)