Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ગુજરાત રાજય લલિત કલા અકાદમી દ્વારા

યુવાનો માટે ફોટોગ્રાફી વર્કશોપ, ભાગ લેવા માટે અરજી કરો

રાજકોટ તા.૩૦: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના ઉપક્રમે નજીકના ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ નેશનલ ફોટોગ્રાફી વર્કશોપ ૧૮ થી ૩૫ વર્ષના યુવાનો માટે અમદાવાદ ખાતે પાંચ દિવસ માટે યોજવામાં આવનાર છે. આ વર્કશોપમાં જોડાવા ઇચ્છતા યુવા ફોટોગ્રાફરોએ સાદા કોરા કાગળ પર પોતાની અરજી તાજેતરની પાસપોર્ટ સાઇઝની તસ્વીર સાથે પોતાનું (૧)નામ (૨)ઉમર-જન્મ તારીખ (૩)સરનામું (૪)ફોન નંબર, મોબાઇલ નંબર (૫) અનુભવની વિગતો (૬) હાલની પ્રવૃતિની વિગત (૭)ફોટોગ્રાફીમાં રસ પડવાના કારણો (૮) મેળવેલ પારિતોષિકની વિગત દર્શાવીને કરવાની રહેશે.

 

અરજીની સાથે આધાર કાર્ડ અથવા ચુંટણી ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ અને પોતે પાડેલી ૮*૧૦ સાઇઝની એકતસ્વીર બીડવી આ અરજી તા.૩૧-૧-૨૦૧૮ સુધીમાં સચિવ, ગુજરાત રાજય લલિતકલા અકાદમી, રવિશંકર રાવલ કલા ભવન ભાઇકાકા ભવન, એલીસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬ ફોન નં.૦૭૯-૨૬૪૨૫૫૬૨ ને મોકલી આપવાની રહેશે. પસંદગી પામનાર યુવા ફોટોગ્રાફરોને પોતાના વતનથી અમદાવાદ સુધીનું આવવા જવાનું રેલ્વેના બીજા વર્ગનું રીઝર્વેશન સાથેનું કે એસ.ટી. બસનું ભાડું, નિવાસ-ભોજન વ્યવસ્થા પેટે દરરોજનું ૨૦૦ રૂ. નું સ્ટાઇપેન્ડ, વિના મુલ્યે તાલિમ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. પસંદગી અંગેના તમામ અધિકારો લલિતકલા અકાદમી પાસે રહેશે તેમ અકાદમીના સચિવ બી.જે.દેસાઇ જણાવે છે.

(2:31 pm IST)