Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

બોર્ડની પરિક્ષાના રિહર્સલ સમી ધો.૧૦-૧૨ની પ્રિલીમ પરિક્ષા નો પ્રારંભ

ગાંધીનગર : માર્ચ મહિનામાં લેવાનારી બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરિક્ષા પહેલા મહત્વની પ્રિલીમ પરિક્ષાનો આજથી પ્રારંભ થયો છે.રાજયભરની શાળાઓમાં ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પ્રિલીમ પરીક્ષાનો પ્રારંભ થયો છે. અમદાવાદ શહેર અને જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ ઉપરાંત રાજયભરના ૧૬ લાખથી વધુ ધોરણ-૧૦ અને ૧૨ના  વિદ્યાર્થીઓ બોર્ડની મુખ્ય પરિક્ષાના રિહર્સલ સમી ગણાતી પ્રિલિમ પરીક્ષા આપી રહયા છે.

આ પરીક્ષામાં તેમજ અગાઉ જે પ્રોજેકટ કર્યા હોય તેમજ અન્ય પ્રવૃતિ સાથે તમામના ૩૦ ટકા અન્વયે જે તે ગુણ હવે શાળા કક્ષાએથી બોર્ડમાં મોકલવામાં આવશે. શિક્ષણ બોર્ડ માર્ચમાં જે પરીક્ષા લેશે તે ૧૦૦ ગુણની હશે. પરંતુ પછી તેમાં તેના ૭૦ ટકા કરીને બાકીના ૩૦ ટકા શાળાકીય કક્ષાના ઉમેરી ફાઇનલ રિઝલ્ટ અપાશે. આ પરીક્ષા બોર્ડની અંતિમ પરીક્ષાની પહેલાંની મહત્વની ટેસ્ટ ગણાય છે.

બોર્ડ દ્વારા શાળાકીય પરીક્ષાઓ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહના અંતે પુરી થયા પછી કમ્પ્યુટર, પીટી, સંગીત જેવા વિષયની ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષા શાળા કક્ષાએ યોજાશે. તેના માકર્સ સાથેનો રિપોર્ટ શાળાઓ બોર્ડને મોકલશે. જે ફાઇનલ માર્કશીટમાં એડ થશે. આંતરિક ૩૦ ગુણ આ વર્ષે શાળા કક્ષાએથી જ અપાશે.

આ પરીક્ષા પહેલાં બોર્ડ દ્વારા લેવાનું નિશ્ચિત થયું હતું. ૨૯ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી સુધી બોર્ડની પ્રિલીમ ટેસ્ટ લેવાશે. આ સિવાય ધોરણ-૧૧ માટે ૫૦ માકર્સની સેકન્ડ ટેસ્ટ લેવાશે. ૧૪ થી ૧૭ ફેબ્રુઆરી પ્રેકિટકલ પરીક્ષા લેવાશે. જયારે ૨૦ થી ૨૪ ફેબ્રુઆરી સુધી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રેકટીકલ પરીક્ષા લેવાશે. 

માર્ચના બીજા સપ્તાહે બોર્ડ અને ૫ થી ૧૩ એપ્રિલ સુધી શાળાકીય પરીક્ષા યોજાશે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પદ્ધતિ નીકળી ગયા બાદ ફરી પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં ૨ ફેબ્રુઆરી સુધી રૂ. ૧૦૦ની લેટ ફી સાથે વિદ્યાથીઓ પૂરક પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકશે.

(7:40 pm IST)