Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

દહેગામમાં જીઆઈડીસીમાંથી આવેલ વૃદ્ધને ક્રેન ચાલકે હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

દહેગામ:શહેરમાં આવેલ જીઆઈડીસીમાંથી આવી રહેલા એક વૃધ્ધને પાછળથી આવી રહેલ ક્રેનના ચાલકે બેફામ હંકારી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. બાદમાં ક્રેનનું ટાયર ફરી વળતાં ગંભીર ઈજાઓ બાદ વૃધ્ધનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દહેગામ શહેરમાં આવેલ જીઆઈડીસીમાં રહેતા નટવરલાલ ત્રિકમલાલ બારોટ બજારમાં જવા માટે ચાલતા નિકળ્યા હતા. જ્યારે તેઓ વર્ધમાન સ્કૂલ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવી રહેલ ક્રેન નંબર જીજે-૧૮-એચ-૯ર૯૮ ના ચાલકે તેની ક્રેન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી નટવરલાલને ટક્કર મારતાં તેઓ નીચે પડી ગયા હતા અને તેમની ઉપર ક્રેનનું ટાયર ફરી ફળ્યું હતું. અકસ્માતમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે સંખ્યાબંધ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તો અકસ્માત સર્જનાર ક્રેન ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી છૂટયો હતો. અકસ્માતની ઘટનાના પગલે પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને જરુરી કાર્યવાહીના અંતે મૃતદેહને પીએમ અર્થે દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી હતી. આ મામલે દહેગામ પોલીસે મૃતકના પુત્ર ઉપેન્દ્રકુમાર નટવરલાલ બારોટની ફરિયાદના આધારે ઉપરોક્ત ક્રેનના અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

(6:07 pm IST)