Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

ગ્રામ્ય કક્ષાએ માળખાગત સવલતોના નિર્માણ થકી ગ્રામીણ જીવનને ધબકતુ બનાવવા રાજય સરકારનો મકકમ નિર્ધારઃ ઈશ્વરભાઈ પરમાર

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) અંતર્ગત સાબરકાંઠા, આણંદ, જૂનાગઢ અને સુરત જિલ્લાના રૂપિયા ૫૨.૭૮ લાખના ગ્રામ્ય વિસ્તારના ૧૬ વિકાસકામોનું ગાંધીનગરથી ઈ-ખાતમૂર્હુત કરતા સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી

રાજકોટ,તા. ૨૯: સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યુ છે કે, ગ્રામ્ય કક્ષાએ માળખાગત સવલતોના નિર્માણ થકી ગ્રામીણ જીવનને ધબકતુ બનાવવા રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે જેના પરિણામે અસરકારક કામગીરી ના કારણે ગ્રામ્ય સ્તરે જનસુખાકારીમાં નોધપાત્ર વધારો પણ થયો છે.

આજે ગાંધીનગર ખાતેથી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) અંતર્ગત સાબરકાંઠા, આણંદ, જૂનાગઢ અને સુરત જિલ્લાના ૮ ગામોના રૂપિયા ૫૨.૭૮ લાખના વિવિધ સોળ વિકાસકામોનુ વિવિધ ઈ-ખાતમુહૂર્ત કરતાં કહ્યુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ્યજીવન ને વધુને વધુ ધબકતુ કરવા માટે તથા અર્થતંત્રને મજબૂત બનાવવાના આશયથી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) દેશભરમાં કાયર્િાન્વત કરી છે જે અંતર્ગત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આ યોજના હેઠળ વિવિધ વિકાસકામોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

મંત્રીશ્રી પરમારે કહ્યુ કે, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ ગુજરાત રાજયનો વર્ષ ૨૦૧૮-૧૯માં સમાવેશ કરવામાં આવ્યો હતો.જેમાં રાજયના અનુસૂચિત જાતિની વસ્તી ૫૦ % કરતા વધુ હોય તેવા વિસ્તારના ૧૧ જિલ્લાઓના ૨૫ ગામોને કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યુ કે, યોજનાનો મૂળ હેતુ પસંદગી પામેલ ગામોને 'આદર્શ ગામ બનાવવા માટેના ખુટતા કામો' ગેપ ફીલીંગને ધ્યાને લઈ જરૂરીયાત આધારીત માળખાકીય સુવિધાઓ પુરી પાડીને' આદર્શ ગામ બનાવવાનો છે .

તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ આદર્શ ગામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ગામ દીઠ રૂ. ૨૦.૦૦ લાખ ફાળવવામાં આવ્યા છે જેમા ગુજરાતના કુલ ૨૫ ગામ માટે રૂ.૫.૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ હાલ રાજયના ૪ જિલ્લાનાં પ તાલુકાનાં ૮ ગામોના કુલ -૧૬ કામોનો સમાવેશ કરાયો છે. જેમાં આણંદ જિલ્લામાં જિલ્લા અનુસરણ સમિતિ દ્વારા ખંભાત તાલુકાના નવાગામ વાંટા ખાતે કુલ ૮ કામોની મંજુરી મળી હતી. જેમાં સ્માર્ટ મોડેલ આંગણવાડી અને પ્રાથમિક શાળાનો નવીન ઓરડો બનાવવા માટે કુલ રૂ.૯.૦૦ લાખનાં કામોનું ખાતમૂહુર્ત કરાયુ છે.

આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઈસરવાડા ખાતે કુલ ૧૦ કામોની મંજુરી મળી હતી જેમાં પાણીની ટાંકી તથા પાઈપલાઈનનું કામ તથા વણકર અને રોહિત સમાજના ચોક બનાવવા માટે કુલ રૂ .૯.૧૮ લાખના કામો હાથ ધરાશે. એ જ રીતે ઇડર તાલુકાનાં મહીવાડા ખાતે ૧૨ કામોની મંજૂરી મળી હતી ત્યા પણ અનુસૂચિત જાતિના સ્મશાન તરફનો સી.સી.રોડ બનાવવા માટે અને પંખીઘર પાસે સ્નાનાગૃહ બનાવવા કુલ ૭.૦૦ લાખના કામો હાથ ધરાનાર છે જયારે હિંમતનગર તાલુકાના ભાદરડી ખાતે ૯ કામોની મંજૂરી મળી છે ત્યાં પણ પીવાના પાણી માટે કુવો અને ભાદરડી ગામમાં ૩૨ ખાળકુવા બનાવવા માટે કુલ રૂ .૭.૯૩ લાખના કામો હાથ ધરાશે.

તેમણે ઉમેર્યુ કે, હિંમતનગર તાલુકાના કુંપ ખાતે ૧૩ કામોની મંજૂરી મળી હતી જેમાં અનુસૂચિત જાતિના મહોલ્લાઓમાં ૭૦ નંગ એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટના કામો અને નવી વસાહતમાં સી.સી.રોડ બનાવવા માટે એમ કુલ રૂ .૩.૪૫ લાખના કામો હાથ ધરાશે જયારે હિંમતનગર તાલુકાના સઢા ખાતે કુલ ૨૭ કામોની મંજૂરી મળી હતી ત્યા પણ જોગણીમાતા મંદિરથી રૂપાલ રોડ તરફ ૧૨૦ મીટર પ્રોટેકશન દિવાલનું કામ અને ગટરલાઇન બનાવવા એમ કુલ રૂ .૫.૧૦ લાખ ના કામો શરૂ કરાશે.

આ ઉપરાત જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું ટીંટોડી ગામના ૬ કામો મંજૂર કરાયા છે જે અંતર્ગત આંતરીક ગટરના કામ માટે તથા સી.સી.રોડ માટે એમ કુલ ૬.૦૦ લાખના કામો જયારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું પાણેથા ખાતે ૫ કામો મંજૂર કરાયા છે જે અંતર્ગત આંગણવાડીના કમ્પાઉન્ડ વોલના કામ તથા પ્રાથમિક શાળામાં ટોઇલેટ બ્લોકના કામ માટે એમ કુલ ૫.૧૨ લાખના કામો હાથ ધરાશે.

આ ઈ-લોકાર્પણ વેળાએ ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા મથકોએ જે તે વિસ્તારના સાંસદો,ધારાસભ્યો સહિત પદાધિકારીઓ અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

(4:25 pm IST)