Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

આણંદ જિલ્લાના વાસદ ટોલનાકા નજીક વહેલી સવારે ડીઝલની ચોરી કરતી ગેંગના શખ્સોને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા

આણંદ:જિલ્લાના વાસદ ગામના ટોલનાકા નજીકથી વાસદ પોલીસે આજે વહેલી પરોઢના સુમારે ડીઝલ ચોરી કરતી ગેંગના શખ્શોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી છે. આ ધાડપાડુ ટોળકી હાઈવે ઉપર પાર્ક કરેલ અલગ-અલગ વાહનોમાંથી ડિઝલ ચોરી કરતી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. વાસદ પોલીસની ટીમને માહિતી મળી હતી કે, એક ટ્રકમાં છ જેટલા શખ્શો હાઈવે ઉપર વાહનચાલકોને મારઝુડ કરી વાહનમાંથી ડિઝલ ચોરી કરવાનું કૃત્ય કરે છે અને આ ગેંગ ઘાતક હથિયારો સાથે વાસદથી વડોદરા તરફ જનાર છે. બાતમીના આધારે આજે વહેલી પરોઢના સુમારે વાસદ પોલીસની ટીમે બાતમીના વર્ણન વાળી ટ્રકને કોર્ડન કરી તપાસ કરતા કેબિનમાંથી છ શખ્શો મળી આવ્યા હતા. જો કે પોલીસને જોઈ આ છ શખ્શોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. પરંતુ પોલીસે બળ પ્રયોગ કરી તમામ છ શખ્શોને ઝડપી પાડયા હતા. કેટલાક કેરબાઓમાંથી ડિઝલ મળી આવ્યું હતું. જે અંગે પુછપરછ કરતા ઝડપાયેલ શખ્શોએ વાસદથી તારાપુર, વટામણ, બગોદરા, ધોળકા, ખેડા અને નડિયાદ થઈ પરત વાસદ આવતા હાઈવે રોડ ઉપર જુદી-જુદી જગ્યાઓએ પાર્ક કરેલ વાહનોમાંથી ડિઝલ ચોરી કરીને લાવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે છ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન અન્ય કેટલીક ચોંકાવનારી વિગતો પરથી પડદો ઉંચકાવાની શક્યતા જોવાઈ રહી છે.

(6:14 pm IST)