Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

રાજ્‍યના ૧૩ શહેરોમાં મહતમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર

ધોમધખતા તાપના કારણે લોકો ત્રાહીમામઃ સતત મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા સવારથી જ અસહ્ય ઉકળાટ

રાજકોટ,તા. ૨૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત આખા ગુજરાતમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્‍યારે ગુજરાત રાજ્‍યમાં ગઇ કાલે ૧૩ શહેરોમાં મહતમ તાપમાન પારો ૪૦ ડિગ્રીને પાર થઇ ગયો છે.

રાજ્‍યભરમાં ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. સૂર્યદેવના આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને જૂનાગઢમાં તો આજે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો છે. આકરા તાપનાં કારણે બપોરે રસ્‍તો સૂમસામ બની જાય છે. દરમિયાન હાલ તો ગરમીમાં રાહત મળવાની કોઇ શકયતા નથી. આવતીકાલે અને શનિવારે તાપમાનનો પારો રેકોર્ડબ્રેક ૪૫ ડિગ્રીને પણ વટાવી જશે. તેમ હવામાન ખાતાએ જણાવ્‍યું છે.

ખાસ કરીને બપોરના સમયે બાળકો અને વૃધ્‍ધોને ઘરમાં જ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આજે શુક્રવારે અને શનિવારને પણ અમુક જગ્‍યાએ હિટવેવ તેમજ અમુક સ્‍થળોએ સિવિયર હિટવેવની આગાહી થઇ છે. આ બે દિવસ દરમિયાન કોઇ કોઇ શહેરોમાં ગરમીનો પારો રેકોર્ડબ્રેક ૪૫ ડિગ્રીને પણ આંબી જશે.

સૂકા વાતાવરણ અને ઉતરીય પવન ફૂંકવાને કારણે અને સીધા સૂર્ય કિરણો અને સૂકા પવનને કારણે હાલ તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્‍યારે હવામાન વિભાગે આજે મહત્‍વની આગાહી કરતા જણાવ્‍યુ છે કે, આગામી પાંચ દિવસ રાજ્‍યનું તાપમાન શુષ્‍ક રહેશે અને ગુજરાતમાં આવનાર દિવસોમાં ૪-૫ દિવસ સુધી મહતમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં અમદાવાદમાં ઓરેન્‍જ એલર્ટ જાહેર કરાયું છે. સાથે કચ્‍છ-ભુજ,પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ અને સુરેન્‍દ્રનગરમાં હિટવેવની આગાહી કરાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૯.૫ મહતમ, ૨૦ લઘુતમ , ૯૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ભાવનગર

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃભાવનગરમાં ગઇ કાલે ઉનાળાની સીઝન ની સૌથી વધુ ગરમી નોંધાઇ છે.મહતમ તાપમાન વધીને ૪૨ .૦ ડીગ્રીએ પહોંચતા આકરી ગરમીથી નગરજનો પરેશાન થયા હતા. શહેરનું લદ્યુત્તમ તાપમાન ૨૮.૦ ડિગ્રી નોંધાયું હતું .જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૯ ટકા અને પવનની ઝડપ ૧૬ કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી. બપોરે શહેરમાં ગરમ લુ ફેંકાતા લોકો તોબા પોકારી ગયા હતા. પંખાની હવા પણ ગરમ લાગતી હોય લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. હીટ વેવની આગાહી વચ્‍ચે શહેરનું મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી પહોંચી જતા હજુ પણ ગરમી વધે તેવી સંભાવના છે. ગરમીને કારણે રસ્‍તાઓ બપોરના સમયે સુમસામ ભાસતા હતા. ગરમીથી જનજીવન પર વ્‍યાપક અસર થઇ રહી છે.(૨૨.૧૫)

જૂનાગઢ સહિત સોરઠમાં સૂર્ય પ્રકોપ, ગિરનાર સૌથી વધુ ગરમ

સવારથી જ હિટવેવને લઇ લોકો ત્રસ્‍ત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯: જૂનાગઢ સહિત સોરઠમાં સૂર્યપ્રકોપમાં લઇ જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે.

ગઇ કાલે જૂનાગઢમાં રેકોર્ડબ્રેક ૪૩.૬ ડિગ્રી તાપમાન નોંધાતા સમગ્ર વિસ્‍તાર અગન ભઠ્ઠીમાં ફેરવાય ગયો હતો.

અગનગોળ વરસાવતી ગરમીના કારણે ગિરનાર પર્વત ખાતે જવાળામુખી ફાટયો હોય તેવુ અનુભુતી થઇ રહી છે સખત ગરમીને લઇ પર્વતનાં પથ્‍થરો અગનગોળા જેવા બની જતા હોવાની ગિરનાર ઉપર સૌથી વધુ ગરમી અને લુ વર્ષા થઇ રહી છે.

આજે પણ સોરઠમાં ૨૩ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઇ ગઇ છે.

જો કે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા રહેતા સવારના ઠંડક રહી હતી. પરંતુ બપોર થતાની સાથે કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે.

સખત ગરમીથી લોકોએ બહાર નીકળવાનું ટાળતા બપોરના રસ્‍તા સુમસામ થઇ જાય છે.

(5:05 pm IST)