Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

રોકડમાં સ્‍ટેમ્‍પ ડયુટી ખરીદી નહિ શકાયઃ હવે ઓનલાઇન ભરવી પડશે

પ્રારંભે ઉપલેટા-વિસાવદર- સહિત ૬ શહેરોમાં અને પછી રાજયભરમાં લાગુ થશેઃ ફ્રેન્‍કીંગ કરનારાનો ધંધો બંધ થાય તેવી શકયતા : જમીન-મકાનોના દસ્‍તાવેજ નોંધણી માટે નવી ગાઇડલાઇન જાહેર

અમદાવાદ, તા.૨૯: રાજયમાં જમીન તથા મકાનોના દસ્‍તાવેજ નોંધણી માટે હવેથી રોકડમાં સ્‍ટેમ્‍પ નહીં ખરીદી શકાય. નવા નિયમ મુજબ ઓનલાઇન જ સ્‍ટેમ્‍પ ખરીદવાના રહેશે. ઉપરાંત, ફ્રેન્‍કિંગનો ધંધો પણ ધીરે ધીરે પડી ભાંગે તેમ છે. અત્‍યાર સુધી બેંકમાં રોકડ રૂપિયા લઇ ક્રેનકિંગ કે સ્‍ટેમ્‍પ લઇ લેવાતા હતા પરંતુ હવેથી સરકારે આ સુવિધા બંધ કરી દીધી છે. વકીલ, સાક્ષી, લેનાર, વેચનાર તમામની વિગત ઓનલાઇન ભરવાની રહેશે. ટૂંકમાં દસ્‍તાવેજમાં હવે વધુ ટેકનિકલ ખામીઓ આવશે અને સર્વર ડાઉનની મુશ્‍કેલીઓ પણ શરૂ થનાર છે. રાજય સરકારે આજે એક પરિપત્ર બહાર પાડી જણાવ્‍યું છે કે, હાલમાં રાજયની સબ રજિસ્‍ટ્રાર કચેરીઓમાં રજૂ થતા દશ્‍તાવેજોની નોંધણી તથા આનુષાંગિક કામગીરી નેશનલ ઇન્‍ફોર્મેટીક (NIC) દ્વારા સંચાલિત ‘ગરવી' સોફટવેર મારફતે થાય છે. હાલના ટેકનોલોજીના યુગમાં ‘ગરવી' સોફટવેરમાં જરૂરી સુધારા-વધારા કરી અપગ્રેડ કરવું જરૂરી જણાતા અને દસ્‍તાવેજ નોંધણીની ક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તથા પક્ષકારોનો કિંમતી સમય બચે સરકારી સંસાધનોનો યોગ્‍ય ઉપયોગ થઇ શકે અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે હેતુથી સોફટવેર અપડેટ કરવામાં આવ્‍યું છે.
પ્રાયોગિક ધોરણે ઉપલેટા, ધનસુરા, ઠાસરા, વિસાવદર, વિજાપુર, લૂણાવાડામાં આ પાયલોટ પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો છે. આ પ્રોજેક્‍ટ સફળ થતા આવતા મહિનાથી અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં અમલી કરવામાં આવશે. રાજયમાં ટૂંક સમયમાં જેનો અમલ થવાનો છે તેમાં પક્ષકારે પોતાના દસ્‍તાવેજની નોંધણી  https: /gancga-a.gujarat.gov.in વેબસાઇટ પર રજિસ્‍ટ્રેશન મેનું સિટીઝન ઓપશન મારફતે અરજદાર વ્‍યકિતનો પ્રકાર (એડવોકેટ, બિલ્‍કર, બેંક) નામ, સરનામુ, મોબાઈલ નંબર, ઇ મેલ આઈડી, આઇડી પ્રૂક નંબર વગેરે વિગતો દ્વારા લોગ ઇન આઇડી બનાવવાની રહેશે. પક્ષકાર પોતાના લોગઇન આઇડીથી લોગઇન થઇ તેઓની જરૂરિયાત મુજબ દસ્‍તાવેજની નોંધણી સંબંધિત તથા અન્‍ય અરજી કરી શકશે. આ ઉપરાંત દસ્‍તાવેજની નોંધણી માટે રજિસ્‍ટ્રેશન શેર ડોક્‍યુમેન્‍ટ ઉપરથી ન્‍યૂ રજિસ્‍ટ્રેશન એપ્‍લિકેશન મારફતે નવી અરજી કરવાની રહેશે. પરિપત્રમાં જણાવ્‍યું છે કે, જરૂરી સૂચનાઓ વાંચી તેની સાથે સહમત થઇ દસ્‍તાવેજની ભાષા મુજબ ભાષા સિલેક્‍ટ કરી દસ્‍તાવેજના પ્રકાર તથા દસ્‍તાવેજમાં જણાવ્‍યા મુજબ આપનાર તથા લેનાર સંમતિ આપનાર પક્ષકારની સંખ્‍યા લખી વિગતનો સર્વે કરાવાની રહેશે. ત્‍યારબાદ દરતાવેજોમાં જણાવ્‍યા મુજઅ આપનાર તથા લેનારે અને સંમતી આપનાર અને ઓળખ આપનાર વ્‍યક્‍તિઓના નામ સરનામાની વિગતો ભરી આપવાની રહેશે. પક્ષકારોની વિગતો ભર્યા બાદ દરતાવેજમાં જણાવ્‍યા મુજબ, મિલકતની વિગતો સેવ કરવી સબ રજિસ્‍ટ્રાર કચેરી સિલેક્‍ટ કરવાની રહેશે.
તેમજ મિલકતોની વિગતો સેવ કરી દસ્‍તાવેજ રજૂ કરનાર તથા ઓનલાઇન ઈ-પેમેન્‍ટ કરનાર પક્ષકારોની વિગતો સેવ કરી ત્‍યારબાદ સ્‍ટેમ્‍પમાં અવેજની રકમ રોકડમાં નહીં) બજાર કિંમત તથા દસ્‍તાવેજના પાનાની સંખ્‍યા વગેરે બાબતો ભરી રજિસ્‍ટ્રેશન ફી તથા સ્‍ટેમ્‍પ ડયુટી ઓનલાઇન પેમેન્‍ટ કરવાનું રહેશે. ત્‍યારબાદ પેમેન્‍ટ કર્યા બાદ પ્રિન્‍ટ મેળવી તારીખ બુક કરાવવાની રહેશે અને એ સમય મુજબ સબ રજિસ્‍ટ્રારની કચેરીમાં દસ્‍તાવેજની નોંધણી અર્થે રજૂ કરવાનો રહેશે. જો જરૂર જણાય તો સુધારો કરવાનો હોય તો કરેક્‍શન શીટમાં સુધારો કરી શકાશે અને ત્‍યારબાદ દસ્‍તાવેજની નોંધણી કરી શકાશે.
ઉપરોક્‍ત નવી ગાઇડ લાઇન ટૂંક સમયમાં આખા રાજયમાં લાગુ કરાશે તેનાથી ફ્રેન્‍કિંગ કરનારાઓ ઘરે બેસી જશે તેમજ એજન્‍ટ પ્રથા પણ રદ થઇ જશે. હવે આ પાયલોટ પ્રોજેક્‍ટ કેટલો સફળ થાય છે તેના ઉપર આધાર રહેશે. કાળા નાણાં રોકવા સ્‍ટેમ્‍પની ખરીદી પણ ઓન લાઇન કરવામાં આવી છે. જો કે, આ નવી ગાઇડ લાઇનનો શરૂઆતમાં વિરોધ થાય તેવી શક્‍યતાઓ જણાઇ રહી છે.

 

(4:58 pm IST)