Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

આયેશા આત્મહત્યા કેસમાં કોર્ટનો ચુકાદો:પતિ આરીફને ફટકારી 10 વર્ષની સજા: વોઇસ ટેસ્ટ- વિડિઓને મહત્વનો પુરાવો ગણાયો

દોષિત આરીફે આયેશાને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હતું તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટ ધ્યાને લઇને સજાનું એલાન કર્યું

અમદાવાદ :ચકચારી આયેશા આત્મહત્યા કેસ મામલે સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટે આયેશાના પતિ આરીફને દોષિત જાહેર કર્યો છે અને તેને 10 વર્ષની જેલની સજા ફટકારી છે.  આપઘાત કરતા પહેલા વીડિયો વાયરલ કર્યો હતો. અમદાવાદ શહેરના ચકચારી આયેશા આત્મહત્યા કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે આયેશાના આ વીડિયોના આધારે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આયેશા એ મરતા પહેલા બનાવેલા વીડિયોને મહત્વનો પુરાવો ગણ્યો હતો. કોર્ટે નોંધ્યું છે કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને ન બક્ષી શકાય. જેને લઇને આરોપીના વોઇઝ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટને મહત્વનો પુરાવો ગણ્યો હતો. 

અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આયેશા નામની પરિણીતાએ 2 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા આયેશાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો હતો. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. બાદમાં આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો. આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે. આત્માહત્યા કરતા પહેલા આયેશાએ તેના પતિ આરીફ સાથે 70થી 72 મિનિટ વાત કરી હતી. જેમાં તેણે આયેશાને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપી હોવાનું સાબિત થાય છે. સાથે દોષિત આરીફે આયેશાને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હતું તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટ ધ્યાને લઇને સજાનું એલાન કર્યું છે.

અમદાવાદની આયેશા નામની યુવતીએ આત્મહત્યા કરતા પહેલા બનાવેલો એક વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. જો કે યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પતિ પર સમગ્ર દેશમાંથી ફિટકાર વરસાવવા લાગ્યો હતો. મામલો એટલો હાઇપ્રોફાઇલ બન્યો હતો કે પોલીસ પર તેના પતિને ઝડપી લેવા માટે ખુબ જ દબાણ થયું હતું. આખરે પોલીસે તેના પતિને ઝડપી લીધો હતો. તેના સ્ટેટસ મુદ્દે પણ ખુબ જ હોબાળો થયો હતો. જો કે સમગ્ર કેસમાં અનેક વખત ચોંકાવનારો વળાંક આવ્યા હતા.

(12:58 am IST)