Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

વડોદરાના મકરપુરા વિસ્તારમાં અગાઉ નોંધવાયેલી ફરિયાદની અદાવતમાં ઝઘડો કરી હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: અગાઉ નોંધાવેલી  ફરિયાદની અદાવત રાખી  હાર્ડવેરના વેપારી સાથે ઝઘડો કરી રસ્તા  પરથી પસાર થતી બસની સામે ફેંકી દેવાનો પ્રયાસ આરોપીઓએ કર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મકરપુરા રામબાગની બાજુમાં નિલકંઠ સોસાયટીમાં રહેતા વિશાલ મુકેશભાઇ પટેલ હાર્ડવેરનો ધંધો કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે  વલ્લભ કોલોનીમાં રહેતા આસિફ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૫ મી એ રાતે સવા બાર વાગ્યે સોના પાર્ક સોસાયટીતી હું ચા પીવા માટે મારી બાઇક લઇને લાલ કોર્ટ ગયો હતો. ત્યાંથી રાત્રિના બે વાગ્યે ઓ.એન.જી.સી. મેન ગેટથી બરોડા ડેરી તરફ  આવતા રોડ પર રસ્તામાં સમીર, આસિફ, કરણ, નિખીલ  તથા અન્ય એક વ્યક્તિ ઉભા હતા. તમે કેમ મારો વીડિયો ઉતાર્યો છે ? તેવું આસિફે કહેતા મેં આવો કોઇ વીડિયો ઉતાર્યો નહીં હોવાનું જણાવ્યું હતું. સમીરે ઉશ્કેરાઇને મને તમાચા ઝીંકી  દીધા હતા. આસિફે કેબલ વાયર કાઢીને મારા ગળામાં વીંટાળી દઇ રોડ પરથી પસાર થતી બસ તરફ ધક્કો મારી દીધો હતો. આસિફ અને સમીરે મને ધમકી આપી હતી કે,  આજે તો તું બચી ગયો છે. બીજીવાર છોડીશ નહીં. મેં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા.

(6:06 pm IST)